(એ.આર.એલ),ગાઝા,તા.૨૯
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ હવે સંગઠને તેના નવા નેતાની પસંદગી કરી છે. નાયબ સચિવ નઈમ કાસિમને હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, નઈમ કાસિમ હાલ ઈરાનમાં છે. ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહ અને હાશેમ સફીદ્દીન સહિત હિઝબુલ્લાના ટોચના નેતાઓ માર્યા ગયા છે. એવું માનવામાં આવતું હતું કે કાસિમ ઇઝરાયેલનું આગામી નિશાન બની શકે છે.ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે ત્રણ ભાષણો આપ્યા છે. પ્રથમ ભાષણ બેરૂતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું અને ત્રીજું ભાષણ તેહરાનમાં આપવામાં આવ્યું હતું. ૧૫ ઓક્ટોબરના રોજ, કાસિમે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી હિઝબુલ્લાહ તેની કામગીરી બંધ કરશે નહીં.
નઇમ કાસિમ હિઝબુલ્લાહના શરૂઆતના સભ્યોમાંથી એક છે. ૧૯૭૦ ના દાયકામાં, તેણે લેબનીઝ યુનિવર્સિટીમાં રસાયણશાનો અભ્યાસ કર્યો. આ સાથે તેણે ઇસ્લામિક વિદ્વાન આયાતુલ્લા મોહમ્મદ હુસૈન ફદલ્લાહ હેઠળ ધાર્મિક અભ્યાસ પણ કર્યો. ૧૯૭૪ થી ૧૯૮૮ સુધી, નઈમ કાસિમે ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ માટેના સંગઠનના વડા તરીકે સેવા આપી હતી. કાસિમ હિઝબુલ્લાહના સ્કૂલોના નેટવર્ક પર નજર રાખતો હતો. ૧૯૯૧માં તેઓ ગ્રુપના ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા. તે હિઝબુલ્લાહની એક્ઝક્યુટિવ કાઉન્સલના સભ્ય છે જેને શૂરા કાઉન્સલ
કહેવાય છે.