કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ હુમલા બાદ ભારતે કડક વલણ દાખવ્યું છે, નહીં તો પાકિસ્તાનના બધા નેતાઓ પરમાણુ બોમ્બનું ગીત ગાઈ રહ્યા છે. હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝનું નામ પણ પરમાણુ બોમ્બની વાત કરનારાઓની યાદીમાં ઉમેરાઈ ગયું છે. મરિયમ નવાઝે કહ્યું છે કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે, તેથી કોઈ તેના પર સરળતાથી હુમલો કરી શકે નહીં.
પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું, “આજે ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવનું વાતાવરણ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. અલ્લાહે દેશની રક્ષા માટે પાકિસ્તાન સેનાને શક્તિ આપી છે. આપણે પરમાણુ શક્તિ છીએ, તેથી કોઈ પણ પાકિસ્તાન પર સરળતાથી હુમલો કરી શકતું નથી. આપણી રાજકીય વિચારધારા ગમે તે હોય, આપણે બાહ્ય હુમલા સામે સેનાની સાથે ઉભા રહેવું જોઈએ.”
મરિયમે પાકિસ્તાનને પરમાણુ શક્તિ બનાવવાનો શ્રેય તેના પિતા નવાઝ શરીફને આપ્યો અને કહ્યું, “પાકિસ્તાનની તાકાત તેના શહીદોના બલિદાનથી આવે છે અને નવાઝ શરીફે દેશને પરમાણુ શક્તિ બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.” મરિયમ અને નવાઝ શરીફ બંનેએ હજુ સુધી ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જાહેરમાં નિંદા કરી નથી, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.