મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ હજુ શાંત થયો ન હતો. બંગાળી ભાષાને લઈને કોલકાતામાં રાજકારણ શરૂ થયું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરભરના સાઇનબોર્ડ પર બંગાળી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. બહુમાળી બજાર સંકુલ, વ્યવસાયિક ઇમારતો, દુકાનો, ઓફિસો સહિત વિવિધ સંસ્થાઓના સાઇનબોર્ડ બંગાળી ભાષામાં લખવા પડશે. આ નવો નિયમ ૩૦ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્દેશમાં જણાવાયું છે કે સાઇનબોર્ડની ટોચ પર નામ બંગાળીમાં લખવું જાઈએ. જા જરૂરી હોય તો, તેની નીચે અથવા બાજુમાં અન્ય ભાષાઓનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ બંગાળીને પ્રથમ સ્થાન આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને એમ પણ કહ્યું કે કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને આ પગલું લેવામાં આવ્યું છે.
અગાઉ, સરકારી કચેરીઓના સાઇનબોર્ડ અને નોટિસ પર પણ બંગાળી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો હતો. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક બેઠકમાં પણ એવું લખાયું ન હતું કે પ્રશ્નો અથવા દરખાસ્તો બંગાળીમાં રજૂ કરવા જોઈએ. આ વખતે, મ્યુનિસિપલ કોર્પોરેશને તે નીતિને સ્પષ્ટ કરતો વહીવટી પરિપત્ર જારી કર્યો છે.કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમે તાજેતરમાં નાગરિકોને આ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ ફક્ત ભાષાનો પ્રશ્ન નથી, પરંતુ સાંસ્કૃતિક ઓળખનો પણ પ્રશ્ન છે.”
આ નિર્ણયનો હેતુ કોલકાતા સહિત બંગાળના લોકો દરેક જગ્યાએ તેમની ભાષાની હાજરી અનુભવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. મેયરે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રકાશિત કોઈપણ દસ્તાવેજ બંગાળી ભાષાના વધુ ઉપયોગનો સંદેશ આપે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને વેપારીઓ અને સંસ્થાઓને આ આદેશમાં સહયોગ કરવા વિનંતી કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં આદેશનું પાલન નહીં થાય તો જરૂર પડ્યે કડક કાર્યવાહી કરવામાં આવશે.ઘણા લોકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે. નિષ્ણાતોના મતે, સામાન્ય લોકોના હિત માટે તેમજ ભાષાની ગરિમાના રક્ષણ માટે આ એક જરૂરી નિર્ણય છે.
આ અઠવાડિયે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું એક ખાસ સત્ર યોજાયું હતું. જ્યાં ભાજપ શાસિત રાજ્યમાં બંગાળી ભાષાના ઉપયોગ અને બંગાળી ભાષીઓ પરના અત્યાચારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, સત્રના છેલ્લા દિવસે, શાસક અને વિપક્ષી ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર અને હોબાળાએ હેડલાઇન્સ બનાવી.








































