ગુજરાતમાં એક કાકા વર્ષોથી દારૂબંધી સામે અભિયાન ચલાવી રહ્યા છે. ચેનલો દર અઠવાડિયે એમનો ઇન્ટર્વ્યૂ કરી રહી છે. કોઈ ચેનલ ઇન્ટરવ્યૂ માટે ન આવે કાકા પોતે જ પોતાનું લેક્ચર યુ-ટ્યૂબ ઉપર ફટકારે છે. કાકા સામે પાણીએ તરતા હોવાથી લાકડાની તલવારે મહાયુદ્ધ લડી રહ્યા છે. એમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. કરોડો થઈ ગયા હોય તો ખબર નથી. પોતે મુખ્યમંત્રી હતા ત્યારે કંઇ ન કરી શક્યા પરંતુ હવે રહી રહી શંકરસિંહ આ કાકાના વૈચારિક ફોલોઅર બન્યા છે. એમણે પણ દારૂબંધી સામે ઝંડો ઉપાડ્‌યો છે. શંકરસિંહ બાપુને રહી રહીને સમજાયું છે કે ગાંધીના નામે ગુજરાતમાં દારૂબંધી ચાલે છે એ તો બહુ ખોટું કહેવાય, નુકસાન કહેવાય, અન્યાય કહેવાય વગેરે વગેરે… શંકરસિંહ બાપુ વગર પીધે દારુબંધીની વિરુદ્ધમાં એંગ્રી યંગ મેન સ્ટાઇલમાં બોલી શકે છે એ એમના વીડિયો જોઈ-સાંભળીને લાગ્યું.
કહેવાય છે કે સ્ત્રી શું છે અને તેનું મન શું છે એ તો ઇશ્વર પણ કળી શકતો નથી. ગુજરાતની ગાંધી બ્રાન્ડ દારૂબંધી તો એક એવી ચીજ છે કે એને ગુજરાતનાં લોકો તો શું સમગ્ર વિશ્વનાં લોકો કળી શકતાં નથી. કારણ કે એક તરફ ૧૦ રૂપિયાની કોથળી કે હજાર રૂપિયાની બોટલ ગટગટાવીને પકડાય ત્યારે પોલીસ કસ્ટડીની હવા ખાય છે અને બીજી તરફ સરકાર પોતાની માલિકીની હોટલમાં લીકર શોપ ખોલવા જઇ રહી છે. એટલે કે તમે સરકારનાં જ દારૂનાં બારમાંથી દારૂ ખરીદી શકશો અને નિયમ પ્રમાણે બધું ઓકે-ઓકે હશે તો તમે પકડાશો નહીં.
સરકારનાં આયોજન વિશે જે જાણવા મળી રહયું છે તે એવું છે કે વાયબ્રન્ટ ગુજરાત સમીટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોને ગુજરાતની દારૂ વગરની દુનિયા ડ્રાય-ડ્રાય લાગે છે. એટલે કે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઉપર સરકારની માલિકીની ફાઇવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી છે અને તેનું સંચાલન લીલા ગૃપને સોંપવામાં આવ્યું છે અને આ હોટેલમાં મહેમાનો કેટલીક ચોકકસ વિધિ સાથે દારૂ પીવાનો કાયદેસરનો આનંદ માણી શકશે. મહાત્મા મંદિર પાસે ગુજરાત સરકારે કરેલી આ લીલા સાથે અનેક-અનેક પ્રશ્નો સર્જાયા છે. પહેલો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર દારૂબંધીમાં વહાલા-દવલાની નીતિ શા માટે અખ્ત્યાર કરી રહી છે ? શા માટે ગાંધીનાં નામે વર્ષોથી સરકાર જ પોતે નકકી કરી રહી છે કે લોકોએ ઘરમાં શું ખાવું અને પીવું ? અને શા માટે દારૂની પ્રોડકટ્‌સ પરનો કાયદેસરનો ટેકસ જતો કરીને દારૂબંધીની લીલા વર્ષોથી ચલાવી રહી છે. જાણવા મળી રહયું છે કે ગાંધીનગરમાં હોટેલની માલિકી ભલે ગુજરાત સરકારની હોય પરંતુ લીકર શોપની જવાબદારી સરકાર લીલા ગૃપને આપવા જઇ રહી છે. લીલા ગૃપ લીકર શોપ ઉભી કરવા માટે અરજી આપશે અને તેની મંજૂરી રાજય સરકારની નશાબંધી અને આબકારી ખાતું આપશે. એટલે સીધી રીતે ગણો કે આડકતરી રીતે ગણો લોકો સરકારની જ હોટેલમાં દારૂ પીવાનો આનંદ માણી શકશે. અને હવે તો લોકસભામાં પણ સ્વીકારાયું છે કે લોકડાઉન દરમિયાનથી લોકોમાં દારૂ લોકપ્રિય બન્યો છે. દારૂ પીનારાઓની સંખ્યા વધી છે તેની આંકડાવાળી પણ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ લોકડાઉનની શરૂઆતમાં જ લોકોમાં સોશિયલ મીડિયા થકી એવી ચર્ચા વ્યાપક બની હતી કે દારૂ પીવાથી કોરોના દુર રહે છે. આના કારણે કેટલાક લોકોને દોડવું હતું અને ઢાળ મળ્યો હતો. આજે પણ કેટલાક લોકો ‘યે જામ કોરોના કે નામ’ કરે છે… અને જોવા જેવી ખુબી એ છે કે મેડિકલ સાયન્સે પણ હજી સુધી એવો કોઇ સત્તાવાર ખુલાસો કર્યો નથી કે ‘યે બાત હજમ નહીં હુઇ.’
વાસ્તવમાં ગુજરાતમાં દારૂબંધી એ પોલીસ માટે એકસ્ટ્રા ઇન્કમનું સાધન બની ગઇ છે. લોકો ત્યાં સુધી કહી રહયાં છે કે જો ગુજરાતમાં દારૂબંધી હટી જશે તો પોલીસમાં નોકરી કરવા તૈયાર કોણ થશે ? દારૂનાં હપ્તા જ બંધ થઇ જાય તો પછી આટલા પગારમાં નોકરી કરવી એ અમુક પોલીસવાળાઓને સજા જેવું લાગે ! પોલીસવાળાઓ દારૂનાં કેસમાં આટલી બધી મહેનત શા માટે કરે છે ? જવાબ એટલો જ છે કે દારૂનાં કેસમાં અન્ય કેસ કરતાં તાત્કાલીક ખિસ્સાં ગરમ થવાની સંભાવનાઓ વધારે હોય છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે પણ દારૂબંધી સંબંધીત એક કાર્યવાહીમાં પોલીસને ખખડાવી નાખી હતી અને કહી દીધું હતું કે તમે મોટી માછલીઓને પકડવામાં ઢીલાશ રાખો છો અને દારૂ જેવા કેસની નાની માછલીઓને પકડીને કોર્ટની શકિતઓને નાના કામમાં બગાડો છો અને મોટી માછલીઓને પકડવામાં ઢીલાશ કેમ રાખો છો ? પોલીસે ૧ર બોટલ દારૂ સાથે ઝડપાયેલા એક શખ્સ સામે પાસાનો કાયદો લગાડ્યો ત્યારે હાઇકોર્ટે કહી દીધું કે ફાર્મ હાઉસમાં જે દારૂની પાર્ટીઓની રેલમછેલ થતી હોય છ તે મોટી માછલીઓ સામે કાર્યવાહી શા માટે નથી થતી અને નાના કેસમાં મોટી કાર્યવાહી શા માટે થાય છે ? હાઇકોર્ટનો એ સવાલ ઘણું કહી જાય છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ દારૂના કેસમાં જે તપાસ કરે છે તે પણ મોટા ભાગે અધુરી હોય છે. પોલીસ ધારે તો એક સામાન્ય કેસમાં પણ ઉંડી તપાસ થઇ શકે છે. એક વ્યકિત દારૂ પીધેલી હાલતમાં પકડાયો તો તેણે આ દારૂ કઇ ભઠ્ઠીથી આવેલો છે અને કોની પાસેથી લીધેલો છે તેના મૂળ સુધી પહોંચી શકાય છે. પરંતુ પોલીસ તેમ કરતી નથી. એ જ રીતે દારૂની એક બોટલ પકડાયા પછી તે કયા બુટલેગર પાસેથી આવેલી છે અને આ બુટલેગર પોતાનો દારૂનો જથ્થો કયાંથી લાવ્યો હોય છે તેના મૂળ સુધી પહોંચી શકાય છે અને આખેઆખું રેકેટ પકડી શકાય છે. પરંતુ પોલીસ ઇરાદાપૂર્વક તપાસનાં અંતે કયાંકને કયાંક તૂટેલી કડી બતાવે છે. કારણ કે મૂળ સુધી પહોંચતા પહેલા તપાસ અધિકારીનાં કે ભ્રષ્ટાચારી પોલીસ ગેંગનાં ખિસ્સાં ભરાઇ ચુકયાં હોય છે.
જો આરોગ્યના નામે દારૂને પ્રતિબંધીત કરવામાં આવતો હોય તો તમાકુ ઉપર શા માટે પ્રતિબંધ નહીં. આરોગ્ય જગતનું કહેવું એમ છે કે તમાકુ તો દારૂ કરતા પણ વધારે ખતરનાક અને નુકસાનકારક છે. સરકાર માત્ર ગુટખા ઉપર પ્રતિબંધ જાહેર કરી જાણે છે પણ તો પછી ગુટખા કરતાં પણ વધારે નુકસાન કરતાં માવા, તમાકુ, પાન અને બીડી-સિગારેટ પર પ્રતિબંધ શા માટે નથી ? સરકાર શા માટે તમાકુનાં ઉત્પાદનો પર ટેકસ લેવાનું જતું કરીને પ્રતિબંધ મૂકી જન આરોગ્યની ચિંતા કરતી નથી ?