આવતી કાલે દિવાળી છે.

દિવાળી અથવા દીપાવલી હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર પાંચ દિવસનો છે પણ લગભગ પંદર દિવસ લગી સમગ્ર ભારતમાં તેની ધામધૂમથી ઉજવણી થાય છે.

દિવાળી મૂળ રીતે પ્રકાશનું પર્વ છે.

દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસોના રાજા રાવણનો વધ કર્યો હતો એવો રામાયણમાં ઉલ્લેખ છે. રાવણનો વધ કર્યા પછી ભગવાન રામ અયોધ્યા જવા નિકળ્યા ને દિવાળીના દિવસે અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ સમગ્ર નગરમાં દીપ પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું. આ કારણે દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે સદીઓથી ઉજવાય છે.

જો કે સમય બદલાયો તેની સાથે ઉજવણીની નવી વાતો પણ ઉમેરાતી ગઈ તેથી આ તહેવાર હવે માત્ર પ્રકાશનું પર્વ નથી. ભારતમાં દિવાળીને રાષ્ટ્રીય પર્વ પણ કહી શકાય કેમ કે માત્ર હિન્દુ ધર્મનાં લોકો જ દિવાળીની ઉજવણી નથી કરતા પણ તમામ ધર્મનાં લોકો દિવાળીના તહેવારોનો મન મૂકીને આનંદ ઉઠાવે છે.

ભારતમાં સદીઓ હિન્દુઓની બહુમતી છે તેથી હિંદુઓના તહેવારોનો પ્રભાવ ભારતીય જનજીવન પર રહેવાનો જ. બીજું એ કે, ભારતમાં ઈસ્લામ અને ખ્રિસ્તીએ બે ધર્મ બહારથી આવ્યા પણ બાકીના ધર્મોનાં મૂળિયાં તો હિંદુ ધર્મમાં જ છે. બૌધ્ધ, જૈન, સીખ ધર્મ હિંદુ ધર્મમાંથી જ ઉદભવ્યા છે તેથી આ ધર્મોમાં પણ દિવાળીની ઉજવણીની પરંપરા પહેલેથી રહી છે.

જો કે ભારતમાં દિવાળી બધાં ઉજવે છે તેનું મૂળ કારણ એ છે કે, દિવાળીના તહેવારો સાથે ધાર્મિક પરંપરા અને માન્યતાઓ જોડાયેલી છે ખરી પણ મૂળ આ તહેવાર જલસા કરવાનો તહેવાર છે. ભારતમાં દિવાળી ધાર્મિક તહેવાર કરતાં ઉત્સવ વધારે છે અને ઉત્સવ મનાવવા માટે કોઈ ધર્મ સાથે જોડાયેલા હોવાની જરૂર નથી. સારાં કપડાં પહેરવાં, સારી વાનગીઓ બનાવીને ખાવી, એકબીજાને મળીને શુભેચ્છા આપવી, દીવા પ્રગટાવવા,ફટાકડા ફોડવા એ બધું દિવાળીના તહેવારો સાથે જોડાયેલું છે. આ બધું લોકોને ખુશ રાખે છે, આનંદ આપે છે. દિવાળીના તહેવારોમાં તમામ વયનાં લોકો, સ્ત્રી હોય કે પુરૂષ, તમામ માટે આનંદ મનાવવા, મજા કરવા કંઈક ને કંઈક છે જ. આ તહેવાર તમામ લોકોને આનંદ આપે છે તેથી ભારતમાં દિવાળી કોઈ ધર્મનો નહીં પણ ભારતીયતાનો તહેવાર બની ગયો છે.

ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ તેના પાડોશી દેશોમાં પણ ફેલાયો. ખાસ કરીને બૌધ્ધ ધર્મના પ્રસારના કારણે ભારતના મોટા ભાગના પાડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ એકદમ પ્રબળ છે. એશિયાના મોટા ભાગના દેશોમાં કોઈ ને કોઈ રીતે ભારતીય સંસ્કૃતિની પ્રબળ અસર આજે પણ છે.

ભારતમાં અંગ્રેજોના આગમનના કારણે ભારતીયો દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાયા. અંગ્રેજો પોતાના વેપાર-ધંધા માટે ભારતીયોને દુનિયાના બધા દેશોમાં સાથે લઈ ગયા. તેના કારણે આફ્રિકા અને અમેરિકા ખંડોમાં આઝાદી પહેલાં જ ભારતીયો મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા હતા. આઝાદી પછી ભારતીયો બીજા દેશોમાં પણ જવા માંડ્યા. અંગ્રેજોના વખતમાં જ ઈંગ્લેન્ડમાં ભારતીયોની વસતી નોંધપાત્ર થઈ ચૂકી હતી પણ આઝાદી પછી યુરોપના બીજા દેશોમાં પણ ભારતીયો જવા માંડ્યા. તેના કારણે આજે ભારતીયો સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યા છે . ભારતીયો પોતાની સાથે ભારતીય પરંપરાઓ પણલેતા ગયા તેથી હવે દિવાળીની ઉજવણી માત્ર ભારત પૂરતી મર્યાદિત રહી નથી. દુનિયામાં જ્યાં પણ ભારતીયો છે તે બધા વિસ્તારોમાં દિવાળીની ઉજવણી થાય છે. ભારતીયોની સાથે સ્થાનિક લોકો પણ આ ઉજવણીમાં જોડાય છે.

ટૂંકમાં હવે દિવાળી ‘ગ્લોબલ સેલિબ્રેશન’ છે.

///////////////////////

એશિયાનો કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં દિવાળી નહીં ઉજવાતી હોય.

એશિયામાં દિવાળીની ઉજવણીની પરંપરા સ્થાપિત થઈ તેનું કારણ બૌધ્ધ ધર્મ છે.  બૌધ્ધ ધર્મ પણ મૂળ ભારતીય છે ને ભારતીય સંસ્કૃતિનો હિસ્સો જ છે. બૌધ્ધ ધર્મ હિંદુત્વ સાથે પણ જોડાયેલો છે કેમ કે ભગવાન બુધ્ધને તો વિષ્ણુ ભગવાનના અવતાર જ માનવામાં આવે છે.

ભારતમાં સદીઓ પહેલાં બૌધ્ધ ધર્મના સિધ્ધાંતો સૌને બહુ આકર્ષતા. તેના કારણે ભારતમાં બૌધ્ધ ધર્મના અનુયાયીઓની સંખથ્યા બહુ મોટી હતી. ઠેર ઠેર બૌધ્ધ મઠ હતા ને બૌધ્ધ સાધુઓ  સતત ભ્રમણ કરીને ધર્મનો પ્રસાર કરતા. હિંદુઓ એક ભૌગોલિક મર્યાદાથી આગળ ના વધ્યા ને ધર્મનો પ્રસાર પણ ના કર્યો જ્યારે બૌધ્ધ સાધુઓએ નવા નવા પ્રદેશોમાં જવાનું સાહસ કર્યું  તેથી બૌધ્ધ ધર્મ ભારત પૂરતો મર્યાદિત ના રહેતાં ભારતના પાડોશી એવા તમામ દેશોમાં ફેલાયો. ભારત સાથે સાંસ્કૃતિક રીતે જોડાણ ના ધરાવતા દેશોમાં પણ બૌધ્ધ ધર્મ પહોંચ્યો, ભારતીય માન્યતાઓ પહોંચી, ભારતીય તહેવારો પહોંચ્યા ને દિવાળીની ઉજવણી શરૂ થઈ.

દિવાળીનું બૌધ્ધ ધર્મમાં અનેરૂં મહત્વ છે.

 ભગવાન ગૌતમ બુધ્ધનો જન્મ દિવાળીના દિવસે થયેલો. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે આ દિવસે બુધ્ધના અનુયાયીઓએ દીવડા પ્રગટાવી બુદ્ધના આગમનને વધાવેલું તેથી બૌધ્ધ ધર્મમાં દિવાળીનો તહેવાર સદીઓથી ઉજવાય છે. બૌધ્ધ ધર્મનાં લોકો રહે છે એવા તિબેટ, ચીન, મલેશિયા, થાઈલેન્ડ સહિતના દેશોમાં દિવાળી ઉજવાય છે.  તેમની ઉજવણી અલગ પ્રકારની હોય છે, ઉજવણી સાથે અલગ માન્યતા જોડાયેલી છે પણ આ દેશોમાં  પણ દિવાળીની ઉજવણી તો પ્રકાશના પર્વ તરીકે જ થાય છે.  ભારતની જેમ ફટાકડા નથી ફોડાતા પણ બીજી ઉજવણી ભારતની જેમ જ થાય છે.

///////////////////////

હિન્દુઓની નોંધપાત્ર વસતી હોય એવા દેશોમાં દિવાળીની ઉજવણી થાય એ સ્વાભાવિક છે.

ભારત કરતાં અલગ ને અનોખી રીતે આ દેશોમાં હિંદુઓ દિવાળી ઉજવે છે. હિંદુઓ સદીઓથી રહે છે તેવા દેશોએ દિવાળીની ઉજવણીની પરંપરા જાળવી છે. સદીઓ પહેલાં ભારતીયો ગયા હોય એવા દેશોમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, બાલી, સિંગાપોર વગેરે દેશો મુખ્ય છે.

આ દેશોમાં સૂર્ય પંચાંગ ચલણમાં છે.  ભારતમાં ઉત્તર ભારતમાં ચૈત્રી નવરાત્રિ પછી નવું વર્ષ શરૂ થાય છે એ રીતે આ દેશોમાં પણ ચૈત્રી નવરાત્રિ પછી નવું વર્ષ શરૂ થાય છે પણ દિવાળી ભારતની સાથે જ ઉજવાય છે. આ પૈકી મલેશિયામાં વિક્રમ સંવતના સાતમા મહિના તુલામાં દિવાળી ઉજવાય છે. મલેશિયા સહિતના દેશોમાં  દિવાળી “હરી દીપાવલી” કહેવાય છે. મલેશિયામાં દિવાળીની ઉજવણી દરમિયાન ‘ખુલ્લા આવાસ’ યોજાય છે.  હિન્દુ મલેશિયનો ‘ખુલ્લા આવાસ’માં વિવિધ જ્ઞાતિ અને ધર્મના સભ્યોને બોલાવીને સમૂહભોજન લે છે. ‘ખુલ્લા આવાસ’ અથવા ‘રૂમાહ તેર્બુકા’  મલેશિયાની આગવી પ્રથા છે. મલેશિયામાં  કોઈ પણ તહેવારની ઉજવણી ‘રૂમાહ તેર્બુકા’થી જ થાય છે.  સિંગાપોરમાં આ તહેવાર “દીપાવલી” કહેવાય છે. સિંગાપોરમાં ભારતીય સમુદાય લઘુમતીમાં છે પણ દિવાળીની ઉજવણી ધામધૂમથી કરે છે. સિંગાપોરમાં ભારતીયો જ રહેતા હોય તેવો લિટલ ઈન્ડિયા જિલ્લામાં દિવાળી વખતે જોરદાર રોશની કરાય છે ને એ જોવા લોકો ઉમટે છે. દીપાવલીના સમય દરમિયાન સિંગાપોર સરકાર સાથે મળીને સિંગાપોરનું હિન્દુ એન્ડોર્સમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.

ભારત પછી દિવાળીની સૌથી જોરદાર ઉજવણી નેપાળમાં થાય છે. એક સમયે નેપાળ વિશ્વનું એક માત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. નેપાળ હવે હિંદુ રાષ્ટ્ર નથી પણ નેપાળમાં હિંદુઓની બહુમતી છે જ. નેપાળની કુલ વસતી 3 કરોડની આસપાસ છે ને તેમાં 81 ટકા હિંદુઓ છે, 9 ટકા બૌધ્ધ ધર્મી છે અને 3 ટકા કિરાત છે. મતલબ કે કુલ વસતીના 93 ટકા લોકો હિંદુ અથવા ભારતીય પરંપરાને અનુસરે છે. આ કારણે નેપાળમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો છે અને તેની ધામધૂમથી ઉજવણી થાય છે.

નેપાળી દિવાળી ભારતથી અલગ છે.

નેપાળમાં  દિવાળી ‘તિહાર’ અથવા ‘સ્વાન્તિ’  કહેવાય છે. આ તહેવાર પાંચ દિવસ માટે ઉજવાય છે. નેપાળમાં દિવાળીની શરૂઆત ધન તેરસ એટલે કે કાગ તિહારથી થાય છે. કાગ તિહારના દિવસે કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે કૂકૂર તિહાર હોય છે. કૂતર તિહારના દિવસે વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે ગૌ તિહાર એટલે કે દિવાળી પર ભારતની જેમ લક્ષ્મીની પૂજા થાય છે. સાથે સાથે ગાયનું પૂજન કરાય છે.  નેપાળમાં હિંદુ કેલેન્ડર નેપાળ સમ્બત પ્રમાણે ગણાય છે. નેપાળ સમ્બત મુજબ વર્ષનો છેલ્લો દિવસ હોવાથી વેપારીઓ તેમના હિસાબો આગળના વરસમાં લઈ જાય છે.

નેપાળમાં નવા વર્ષનો પહેલો દિવસ ‘મહા પૂજા’ તરીકે ઓળખાય છે. આ દિવસે  સાંસ્કૃતિક સરઘસો નિકળે છે અને શરીર  સ્વસ્થ રહે તે માટે વિશેષ વિધિ કરાય છે.  નેપાળમાં આ દિવસે પોતાના શરીરની પૂજા કરવાની અનોખી પરંપરા છે. બીજા દિવસે ‘ભાઈ ટિકા’ એટલે કે ભાઈ બીજ હોય છે.  એ  દિવસે ભાઈ પોતાની બહેનને મળવા તેના ઘેર જાય છે અને બંને એકબીજા સાથે ભેટની આપ-લે કરે છે.

વેસ્ટ ઈન્ડિયન ટાપુઓમાં પણ ભારતીયોની વસતી નોંધપાત્ર છે તેથી ત્યાં પણ ઉત્સાહથી દિવાળી ઉજવાય છે. વેસ્ટ ઈન્ડિઝમાં ટ્રિનિદાદ અને ટોબેગોમાં સૌથી વધારે હિંદુઓ છે તેથી તમામ ટાપુઓના લોકો ભેગા મળીને દિવાળીનો આ ટાપુઓ પર ઉજવે છે. ટાપુ પર દિવાળી નગર અથવા પ્રકાશના ઉત્સવનું ગામ બનાવાય છે અને ધામધૂમથી ઉજવણી કરાય છે.  દિવસે જુદા જુદા કાર્યક્રમો થાય છે ને  રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે.  આ ઉત્સવમાં ભારતની જેમ ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે.

દુનિયાના બીજા દેશોમાં પણ દિવાળી ઉજવાય છે ને વિકસિત દેશો પણ સત્તાવાર રીતે ઉજવણી કરે છે. અમેરિકાના પ્રમુખ પોતાના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવે છે તો બ્રિટનના વડાપ્રધાન સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીયોને બોલાવીને દિવાળી ઉજવે છે.

ટૂંકમાં દિવાળી હવે ભૌગોલિક સીમાડાઓને વટાવી ચૂકી છે.