સાઉદી અરેબિયા તેલની કમાણી પર તેની નિર્ભરતા ઘટાડવા માટે પોતાને એક નવી રીતે રજૂ કરી રહ્યું છે. વધુ પ્રવાસીઓ અને હાજીઓને આકર્ષવા માટે, સાઉદી અરેબિયાએ મક્કાની ગ્રાન્ડ મસ્જીદ અને મદીનામાં પ્રોફેટની મસ્જીદમાં નિકાહ કરવાની મંજૂરી આપી છે. વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળ, સાઉદી અરેબિયા તેની રૂઢિચુસ્ત ઇસ્લામિક છબી બદલવાના માર્ગ પર છે.
સાઉદી અરેબિયા તેલની કમાણી પર તેની નિર્ભરતા ઘટાડવા માટે પોતાને એક નવી રીતે રજૂ કરી રહ્યું છે. ક્રાઉન પ્રિન્સના નેતૃત્વમાં સાઉદી અરેબિયા વૈશ્વીક જરૂરિયાતો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિ, પર્યટન અને ફેશનના ક્ષેત્રોમાં પોતાનો વિકાસ કરીને પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે ઇસ્લામના બે પવિત્ર સ્થળો – મક્કામાં ગ્રાન્ડ મસ્જીદ અને મદિનામાં પ્રોફેટ મસ્જીદમાં નિકાહ કરી શકાય છે. સાઉદી અખબાર અલ વતનને ટાંકીને ગલ્ફ ન્યૂઝે લખ્યું છે કે સાઉદી અરેબિયાનું આ પગલું હાજીઓ અને પ્રવાસીઓના અનુભવોને વધુ સુધારવાની પહેલનો એક ભાગ છે. સરકારી નિરીક્ષકોનું કહેવું છે કે સરકારની આ પહેલથી નિકાહ સંબંધિત કંપનીઓને આ ક્ષેત્રમાં વધુ તક મળશે.
સાઉદી મજૂન એટલે કે લગ્ન અધિકારી મુસૈદ અલ-જાબરીએ પયગંબર મસ્જીદમાં નિકાહ કરાવવાની પરવાનગી પર વાત કરતા કહ્યું કે પયગંબર મોહમ્મદની મસ્જીદ પહેલાથી જ નિકાહ કરવા માટે જાણીતી છે. સરકારના આ પગલાથી એવું લાગે છે કે સરકાર પહેલાથી જ પ્રચલિત પ્રથાને નિયંત્રિત કરવા માંગે છે. કારણ કે નબી મસ્જીદમાં સ્થાનિક લોકોમાં નિકાહનું આયોજન પહેલાથી જ સામાન્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે નિકાહ સમયે મોટાભાગના સંબંધીઓને આમંત્રણ આપવાની પરંપરા છે. પરંતુ ઘણીવાર પત્નીનો પરિવાર દરેકને આમંત્રિત કરી શકતો નથી. આવી સ્થિતિમાં, લગ્ન પ્રોફેટ મસ્જીદ અથવા કુબા મસ્જીદ (ઇસ્લામમાં બનેલી પ્રથમ મસ્જીદ) માં કરવામાં આવે છે. તાજેતરમાં એક રિપોર્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વલીમા અથવા નિકાહ પર્વ યોજતા પહેલા તેમના ઈસ્લામિક કરાર પૂરા કરવા માટે મદીના જતા ધનિક મુસ્લીમોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.