હરિયાણામાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ત્યારે હરિયાણામાં ચૂંટણી લડી રહેલી રાજકીય પાર્ટીમાં ફરી એક વાર પરિવારવાદ હાવી થઈ ગયો છે. જે નેતા પોતે ચૂંટણી નથી લડી રહ્યા તેવા નેતાઓ પોતાના પરિવારના સદસ્યોને રાજનીતિમાં ઉતારીને પોતાનો ઈરાદો પૂરો કરી રહ્યા છે. હરિયાણામાં સૌથી પહેલા ભાજપે ૬૭ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં દક્ષિણ હરિયાણાના રાજા કહેવાતા અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત આ વખતે પોતાની દીકરી આરતી રાવને રાજકારણમાં ઉતારવામાં સફળ રહ્યા છે.
રાવ ઈન્દ્રજિત પહેલા જ આરતી રાવને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી ચૂક્યા છે. આહિરવાલમાં મંચ બનાવીને રાજનીતિમાં સક્રિય આરતી રાવ ભાજપની ટિકિટ પર અટેલીથી ચૂંટણી લડશે.
ભાજપ સમર્થિત અપક્ષ રાજ્યસભા સાંસદ કાર્તિકેય શર્માના માતા શક્તિ રાની શર્મા પહેલાથી જ અંબાલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે. હવે ભાજપે તેમને કાલકાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. શક્તિ રાનીએ પોતાની પાર્ટી હરિયાણા જનચેતના પાર્ટીના બેનર હેઠળ કાલકાથી ચૂંટણી લડી છે. શક્તિ રાની પૂર્વ કેન્દ્રીય મંત્રી વિનોદ શર્માના પત્ની છે.
લાંબા સમયથી કોંગ્રેસમાં રહેલા કિરણ ચૌધરી હવે ભાજપના ક્વોટામાંથી રાજ્યસભામાં ગયા છે. તોશામ એ કિરણ ચૌધરીનું પરંપરાગત વર્તુળ રહ્યું છે. કિરણના રાજ્યસભામાં ગયા બાદ જ્યારે આ બેઠક ખાલી પડી ત્યારે ભાજપે તેમની પુત્રી શ્રુતિ ચૌધરીને ઉમેદવાર બનાવી દીધા. કિરણ ચૌધરી એક કાર્યક્રમ દરમિયાન શ્રુતિ ચૌધરીને સ્વર્ગસ્થ સુરેન્દ્ર સિંહના રાજકીય ઉત્તરાધિકારી જાહેર કરી ચૂક્યા છે.
ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા કુલદીપ બિશ્નોઈ પોતાને પાછળ રાખીને પોતાની પરંપરાગત વિધાનસભા આદમપુરથી પુત્ર ભવ્ય બિશ્નોઈને ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે. ભાજપે ફતેહાબાદથી દુડારામ બિશ્નોઈને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. દુડારામ સબંધમાં કુલદીપ બિશ્નોઈના ભાઈ લાગે છે.
લાંબા સમયથી રાજનીતિમાં સક્રિય સકપાલ સાંગવાન હવે વૃદ્ધ થઈ ગયા છે. ચાર દિવસ પહેલા જ તેમના પુત્ર સુનીલ સાંગવાન જેલ અધિક્ષકના પદ પરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા છે. સતપાલ સાંગવાન પોતાના પુત્રને દાદરીથી ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે. સુનીલ સાંગવાન હવે સરકારી નોકરી છોડીને રાજનીતિની નવી ઈનિંગ રમશે. ભાજપે કરતાર ભડાનાના પુત્ર મનમોહન ભડાનાને સમાલખાથી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં બે નેતાઓના પુત્રોને ટિકિટ મળી છે. જાકે ડબવાલીથી અમિત સિહાગ અને રેવાડીથી ચિરંજીવ રાવ અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.