(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૭
ભાજપ બાદ કોંગ્રેસે પણ શુક્રવારે મોડી રાત્રે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે ૩૨ નેતાઓને ટિકિટ મળી છે તેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના જમાઈનું નામ પણ સામેલ છે. આ યાદી પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે પોતાના વફાદાર અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથના મોટાભાગના ધારાસભ્યોને ટિકિટ આપી છે. સેલજા જૂથમાંથી માત્ર ચાર નેતાઓને ટિકિટ મળી છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ૩૨ ઉમેદવારોની યાદીમાંથી ૨૩ ઉમેદવારોને હુડ્ડાના સમર્થક માનવામાં આવે છે. જ્યારે ચાર ઉમેદવારો કુમારી સેલજા જૂથ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુડ્ડા જૂથના ઉમેદવારોમાં પ્રદેશ અધ્યક્ષ ઉદયભાન, નીરજ શર્મા, પૂર્વ મંત્રી ગીતા ભુક્કલ, ધરમપાલ સિંહ ગોંદર, રામકરણ અને વિનેશ ફોગાટના નામ મુખ્ય છે. ટિકિટ મેળવનારાઓમાં મોટાભાગના ધારાસભ્યો છે જેમને પાર્ટી દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે.કોંગ્રેસની પ્રથમ યાદીમાં શૈલી ગુર્જરને નારાયણગઢથી, શમશેર સિંહ ગોગીને અસંધ અને રેણુ બાલાને સધોરાથી ટિકિટ મળી છે. આ કુમારી સેલજા જૂથના માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુમારી સેલજા જૂથના નેતાઓએ ઘણી બેઠકો પર દાવો કર્યો હતો પરંતુ પાર્ટીએ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવાની તસ્દી લીધી ન હતી.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં ચિરંજીવ રાવને રેવાડીથી ટિકિટ મળી છે. તેઓ અહીંથી ધારાસભ્ય છે. ચિરંજીવ હરિયાણાના પૂર્વ કેબિનેટ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના જમાઈ છે. ચિરંજીવે લાલુની છઠ્ઠી પુત્રી અનુષ્કા સાથે લગ્ન કર્યા છે. રાવે ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ૧૩૧૭ મતોથી હરાવ્યા હતા. તેમના પિતા અજય યાદવ પણ અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.