ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામમાં વહેલી સવારે એક સિંહણે બે ગાયોનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જંગલની નજીક આવેલું આ ગામ સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના અવારનવાર હુમલાનો ભોગ બને છે. વહેલી સવારે ૫ થી ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ સિંહણે મુખ્ય માર્ગ પર એક વાછરડા પર હુમલો કર્યો અને બાદમાં બીજી ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ ઘટનાથી થોડા સમય માટે રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી. ગ્રામજનોની માંગ છે કે હરમડીયા ગામમાં વન વિભાગની ઓફિસ બનાવવામાં આવે જેથી તેઓ ભયમુક્ત થઈ શકે.




































