વડોદરામાં હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાની સીધી અસર હવે પ્રવાસના આયોજનો પર પડી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનમાં ઘટાડો થયો છે. અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગયા મહિને વડોદરાની એક સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલ્ટી જવાની ઘટના બની હતી.
જેમાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના ડૂબી જતાં મોત થયા હતા. આ ઘટના બાદ બાળકોને પ્રવાસે લઈ જતી શાળાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે નિયમો વધુ કડક કરવામાં આવ્યા હતાં.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તેને ફરજિયાત જિલ્લા શિક્ષણ અધિકારીની મંજુરી લેવાની રહેશે આ ઉપરાંત ૨૭ જેટલા નિયમોનું પાલન ફરજિયાત કર્યું હતું. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. દર વર્ષે અંદાજે ૬૦૦ જેટલા પ્રવાસના આયોજન શાળાઓ દ્વારા થતા હોય છે. તેમ જ મહિનામાં ૭૦ જેટલી અરજીઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રવાસના આયોજનની મંજૂરી માંગતી અરજીઓ મળતી હોય છે. પરંતુ વડોદરાની હરણી તળાવમાં બોટ પલ્ટી જવાની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને માત્ર ૩૦ જ અરજીઓ પ્રવાસના આયોજનની મળી હોવાનું સામે આવ્યુ છે.
આ અંગે જિલ્લા શિક્ષક અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, વડોદરાની ઘટના બાદ શાળાઓના સંચાલકોમાં જાગૃતિ આવી જ છે પરંતુ પહેલા બાળકોને પ્રવાસ લઇ જવા માટે ૧૪ જેટલા નિયમો પાલન કરવાના થતાં હતાં જે હવે ૨૭ જેટલા નિયમો ફરજિયાત પાલન કરવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, બરોડાના હરણી તળાવ જેવી ઘટના ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ પણ હવે સતર્કતા દાખવી રહ્યું છે. અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.