હિમાચલ પ્રદેશના હમીરપુરથી માનવતાને શરમાવે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પુરુષની ૬૫ વર્ષની મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હમીરપુરના ભોટા વિસ્તાર નજીક એક પુરુષની ૬૫ વર્ષીય મહિલાને તેના સ્કૂટર પર ‘લિફ્ટ’ આપ્યા પછી તેના પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી ટ્રેક્ટર ડ્રાઈવર છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

હમીરપુરના પોલીસ અધિક્ષક ભગતસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે વૃદ્ધ મહિલા શનિવારે રાત્રે જલંધરથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. તેમણે કહ્યું કે મહિલા રાત્રે લગભગ ૯ વાગ્યે ભોટા બસ સ્ટેન્ડ પર ઉતરી અને ટેક્સી શોધવા લાગી, પરંતુ ટેક્સી ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવેલ ભાડું ચૂકવવા માટે તેની પાસે પૂરતા પૈસા નહોતા. અધિકારીએ કહ્યું કે આ દરમિયાન આરોપીએ તેણીને લિફ્ટ આપી અને કહ્યું કે તે તે જ દિશામાં જઈ રહ્યો છે જ્યાં મહિલા જવા માંગતી હતી.

ઠાકુરે જણાવ્યું હતું કે આરોપી દ્વારા સ્કૂટર વધુ ઝડપે ચલાવવાને કારણે એક નાનો અકસ્માત પણ થયો હતો અને જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે તેણે તેને માર માર્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. તેમણે કહ્યું કે આરોપી પરિણીત છે અને ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે આરોપીએ વૃદ્ધ મહિલાનો મોબાઇલ ફોન ‘ફ્લાઇટ મોડ’ પર રાખ્યો હતો જેથી તે તેના પરિવારના સભ્યોનો સંપર્ક ન કરી શકે અને પછી તે સ્થળ પરથી ભાગી ગયો.

તેમણે કહ્યું કે બાદમાં પીડિતાએ કેટલાક લોકોની મદદથી તેના પુત્રનો સંપર્ક કર્યો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને તબીબી સહાય પૂરી પાડી. અધિકારીએ કહ્યું કે પોલીસે જંગલમાં છુપાયેલા આરોપીને પકડી લીધો છે. તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.