હનુમાન જન્મોત્સવ અને ચૈત્રી પૂનમના પાવન પર્વ નિમિત્તે બગસરાથી કટાશરા હનુમાનજી મહારાજના મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ગ્રુપ દ્વારા આયોજિત આ પદયાત્રા આજે સવારે ૬ઃ૦૦ કલાકે બગસરાના વિજય ચોક સ્થિત વિજય હનુમાનજી મહારાજના મંદિરેથી કટાશરા હનુમાનજી મહારાજ મંદિર (નવા પીપરીયા) તરફ રવાના થશે. આ પદયાત્રા ભવ્ય શ્રીરામધૂન અને સંગીતના તાલે તાલબદ્ધ રીતે સંપન્ન થશે, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાશે. પદયાત્રાના માર્ગમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ગરમ નાસ્તો, પાણી અને આઈસ્ક્રીમ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. પદયાત્રા કટાશરા પહોંચ્યા બાદ ત્યાં હનુમાન ચાલીસાના પાઠ અને ધૂનનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાત્રિ દરમિયાન બગસરાના વિજય ચોક ખાતે વિજય હનુમાન મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાશે. સનાતન ગ્રુપ દ્વારા દાદાના ભક્તોને આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, બગસરા તાલુકાના જામકા ગામે પણ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામકા ગામે સવારના ૯ થી ૧ અને બપોરના ૩ થી ૬ કલાક દરમિયાન ભવ્ય સુંદરકાંડના પાઠ તેમજ ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાશે. આ તમામ આયોજનોને પગલે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.








































