આજકાલ હનીટ્રેપમાં મોટા લોકોને ફસાવી રૂપિયા પડાવી લેવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. હનીટ્રેપની ઝાળમાં અનેક હોશિંયાર લોકો પણ ફસાય જતાં હોય છે. વધુ આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ વખતે એક બિલ્ડરનો પુત્ર તેનો શિકાર બન્યો છે. બિલ્ડરના પુત્રનો ન્યૂડ વીડિયો બનાવી સાત કરોડ રૂપિયા પડાવી લેવાની ચર્ચા છે. આ ઘટનામાં બે લોકો પકડાયા છે. તો મહિલા વિદેશ ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં એક નેતા કમ બિલ્ડરનો પુત્ર હનીટ્રેપમાં ફલાયો છે. તેના એક ખાસ મિત્રએ જ કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો મામલો ચર્ચામાં છે. ફરિયાદ પ્રમાણે યુવતી સાથેના અંગત સંબંધોના વીડિયો વાયરલ અને દુષ્કર્મની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનામાં સાત કરોડથી વધુની રકમ લેવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ વધુ રૂપિયાની માંગ કરતા બિલ્ડરના પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પુત્રના આપઘાતના પ્રયાસ બાદ નેતા કમ બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા જે બિલ્ડરના પુત્રના મિત્રો હતા. આ આરોપીઓ પાસેથી મળેલા ફોનમાં ન્યૂડ વીડિયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો આ ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. તેવી પણ માહિતી છે કે બિલ્ડરના પુત્ર પાસે રૂપિયા પડાવવામાં સામેલ મહિલા વિદેશ ભાગી ગઈ છે. આ કેસમાં સામેલ શ્રીમંત પરિવાર પોતાની આબરૂ ન જાય તે માટે આગળ વધવા તૈયાર ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
હનીટ્રેપમાં બિલ્ડરના પુત્રને ફસાવવાનું કામ તેના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. યોજના ઘટી તેની પાસેથી પહેલા દોઢ કરોડ પડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય બહાનાઓ કાઢી તેની પાસેથી વધુ પાંચ કરોડથી વધુની રકમ પડાવવામાં આવી હતી. ત્યારબાદ બીજા અઢી કરોડ માંગવામાં આવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. બીજીતરફ આ કેસમાં એક સીનિયર આઈપીએસ અધિકારીને સંડોવણીની પણ ચર્ચાં છે. અધિકારીએ પોતાના માણસોને બચાવવા માટે આરોપીઓના ફોન ગાયબ કરી દેવાની ચર્ચા પણ પોલીસ વર્તુળોમાં ચાલી રહી છે. હાલ તો આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.