દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે ઘરેલુ ઝઘડો હત્યામાં ફેરવાતા ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે થયેલા ઉગ્ર ઝઘડા બાદ પતિએ પત્ની પર હુમલો કર્યો હતો, જેના કારણે મહિલાનું ગંભીર ઇજાઓથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પરપ્રાંતિય દંપતી ખેતી કામ માટે સણખલા ગામે રહેવા આવ્યા હતા. બંને વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધ્યો કે પતિએ પત્ની પર હિંસક હુમલો કર્યો, જેમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઝઘડા બાદ પત્નીની હાલત બગડતા તેને સારવાર માટે લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સ્થાનિક સૂત્રો જણાવે છે. આ ઘટના ગામમાં ફફડાટ અને ભયનો માહોલ સર્જી ગઈ છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેને અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં દંપતી વચ્ચે લાંબા સમયથી મતભેદ અને ઘરેલુ વિવાદ ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. જાકે, ઝઘડો કયા મુદ્દે થયો હતો અને હુમલાની ચોક્કસ વિગતો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, બંને ખેતી મજૂરી માટે બહારના રાજ્યમાંથી અહીં આવ્યા હતા અને ખેતરમાં કામ કરતા હતા. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને આશ્ચર્યની લાગણી જાવા મળી રહી છે.પોલીસે જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે આ મામલે અન્ય સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.









































