આઇપીએલ ૨૦૨૫ ની ૩૦મી મેચ ૧૪ એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, એમએસ ધોનીએ ૧૧ બોલમાં ૨૬ રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ધોનીને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ સાથે, ધોની આઈપીએલના ઇતિહાસમાં આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો. જાકે, જ્યારે તેને પીઓટીએમ એવોર્ડ મળ્યો, ત્યારે તે થોડો આશ્ચર્યચકિત દેખાતો હતો. તેણે કહ્યું કે તમે મને આ એવોર્ડ કેમ આપી રહ્યા છો.
પીઓટીએમ એવોર્ડ મેળવતી વખતે, ધોનીએ એક ખેલાડીનું નામ આપ્યું જેને આ એવોર્ડ મળી શકે. મેચ પછી ધોનીએ કહ્યું કે તે હજુ પણ વિચારી રહ્યો છે કે તેને આ એવોર્ડ કેમ મળ્યો. નૂરે ખરેખર સારી બોલિંગ કરી. બોલરોએ નવા બોલથી ખૂબ સારી બોલિંગ કરી. તમને જણાવી દઈએ કે લખનૌ સુપર જાયન્ટ્‌સ સામેની મેચમાં, નૂર અહેમદે તેના ૪ ઓવરના ક્વોટામાં ફક્ત ૧૩ રન ખર્ચ્યા હતા, જાકે તે આ મેચમાં કોઈ વિકેટ લઈ શકયો ન હતો.
મેચ જીત્યા પછી, ધોનીએ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું કે જીતવું સારું લાગે છે. જ્યારે તમે આ પ્રકારની ટુર્નામેન્ટ રમો છો, ત્યારે તમે મેચ જીતવા માંગો છો. કમનસીબે, અગાઉની મેચોના પરિણામો ટીમના પક્ષમાં નહોતા ગયા. આના ઘણા કારણો હોઈ શકે છે. જીતવું સારું છે. આનાથી આખી ટીમને આત્મવિશ્વાસ મળે છે અને આપણે જે સુધારવા માંગીએ છીએ તેમાં સુધારો કરવામાં મદદ મળે છે. તેમણે કહ્યું કે તે એક મુશ્કેલ મેચ હતી. બોલિંગ યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું. બેટિંગ યુનિટ તરીકે, અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ.
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ૧૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. આ રન ચેઝ દરમિયાન, સીએસકેનો દાવ ફરી એકવાર નિષ્ફળ ગયો. ચેન્નઈએ ૧૧૧ રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ એમએસ ધોની બેટિંગ કરવા આવ્યો. ધોનીએ શિવમ દુબે સાથે મળીને ૫૭ રનની અણનમ અડધી સદીની ભાગીદારી કરી અને ૩ બોલ બાકી રહેતા ટીમને વિજય અપાવ્યો. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ બીજા વિજય છે.સીએસકે હજુ પણ ૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ૧૦મા સ્થાને છે.