આ વર્ષે ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. તે જ પ્રકારે ઘણા રાજ્યોમાં આ વરસાદ આપત્તિજનક પણ બન્યો હતો. હવે હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ફરી ચેતવણી આપી રહ્યા છે કે વર્ષના અંતમાં લા નીના પરિસ્થિતિ પાછી આવી શકે છે. જો એવું બનશે, તો આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે.
નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન લા નીના થવાની ૭૧ ટકા શક્યતા છે. જોકે, આ લા નીના લાંબા સમય સુધી નહીં રહે અને ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી સમાપ્ત થઈ જશે એવી ધારણા છે. લા નીના એટલે પેસિફિક મહાસાગરમાં દરિયાઈ પાણી સામાન્ય કરતાં વધુ ઠંડુ થવું. તેની અસર સીધી દુનિયાના હવામાન પર પડે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ કારણે કડકડતી ઠંડી અનુભવાય છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ પેસિફિક મહાસાગરમાં ન તો અલ નીનો છે, ન તો લા નીના. એટલે હાલ ચોમાસામાં સામાન્ય પરિસ્થિતિ છે. પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન લા નીના બનવાની ૫૦ ટકા કરતાં વધુ શક્યતા છે. જો એવું બને તો ભારતમાં ભારે શિયાળો પડી શકે છે.
નિષ્ણાતના જણાવ્યા મુજબ, પેસિફિક મહાસાગર પહેલાથી જ સામાન્ય કરતાં વધુ ઠંડુ છે. જો સમુદ્ર સપાટીનું તાપમાન સતત ઘટીને -૦.૫° સે થી નીચે રહે, તો તેને લા નીના માનવામાં આવે છે. ૨૦૨૪ ના અંતમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.
લા નીના આવવાથી ઉત્તર ભારત અને હિમાલયના પ્રદેશોમાં ભારે ઠંડી અને હિમવર્ષા થઈ શકે છે.આઇઆઇએસઇઆર મોહાલી અને એક અભ્યાસ મુજબ, લા નીના વર્ષોમાં શીત લહેરો વધારે પ્રમાણમાં અને લાંબા સમય સુધી રહે છે. એટલે આ વર્ષે ઉત્તર ભારતમાં ઠંડીની અસર સામાન્ય કરતાં ઘણી વધુ હોઈ શકે છે. વરસાદ પછી હવે ભારત ભારે શિયાળાની તૈયારીમાં છે. લા નીનાની આ અસરથી ઉત્તર ભારત સહિત પર્વતીય વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ શકે છે.







































