સ્વિટ્‌ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જોહેર કરવામાં આવેલા વાર્ષિક આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૧માં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા જમા કરવામાં આવેલી રકમ આ વર્ષે ૫૦ ટકા વધીને ૩૦,૫૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ જમા રકમ છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૦માં આ આંકડો ૨૦,૭૦૦ કરોડ રૂપિયા હતો. સતત બીજો વર્ષે ડિપોઝિટમાં વધારો જોવા મળ્યો છે. તેમાં સિક્યોરિટીઝ અને અન્ય સમાન સાધનો સાથેની થાપણોનો પણ સમાવેશ થાય છે. ડેટા અનુસાર ભારતીયોના બચત અને ચાલુ ખાતામાં જમા રકમ રૂ. ૪,૮૦૦ કરોડની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે શરૂઆતના બે વર્ષ સુધી તેમાં ઘટાડો થતો રહ્યો હતો.
સ્વિસ નેશનલ બેંકે જણાવ્યું છે કે ૨૦૨૧ ના અંત સુધીમાં ભારતીય ગ્રાહકો પર ૩૦,૮૩૯ કરોડ રૂપિયા (૩૮૩૧ કરોડ સ્વિસ ચલણ-સીએચએફ) ની જવાબદારીઓ હતી. જેમાં ખાતામાં ૪,૮૦૦ કરોડ રૂપિયા જમા થયા છે. ૨૦૨૦માં તે ૪,૦૦૦ કરોડ રૂપિયા હતી. અન્ય બેંકો દ્વારા રૂ. ૯,૭૬૦ કરોડ જમા કરવામાં આવ્યા હતા, જે ૨૦૨૦માં રૂ. ૩,૦૬૪ કરોડ હતા. ટ્રસ્ટ દ્વારા ૨.૪૦ કરોડ જમા કરવામાં આવ્યા હતા.
બેંકે કહ્યું કે મહત્તમ રકમ બોન્ડ્‌સ, સિક્યોરિટીઝ અને અન્ય સાધનો દ્વારા જમા કરવામાં આવે છે, જે લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા છે. ૨૦૦૬માં અહીં ભારતીયોની સૌથી વધુ રકમ જમા થઈ હતી, જે ૫૨,૦૦૦ કરોડ રૂપિયાની નજીક હતી. જે બાદ તેમાં ઘટાડો થયો હતો. જોકે, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૦ અને ૨૦૨૧માં તેમાં વધારો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ અને ૨૦૨૦માં ચારેય ઘટકોમાં ઘટાડો થયો હતો. જ્યારે ૨૦૨૧માં તમામમાં વધારો થયો હતો.