સંતશ્રી તુલસીદાસજીએ રામચરિત માનસમાં કહ્યું છે કે, ‘બડે ભાગ માનુષ તનુ પાવા’ અર્થાત જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યનું શરીર મળે છે. સ્કંદ પૂરાણમાં કહ્યું છે કે,
“ ધમ, અર્થ, કામ અને મોક્ષ ” એ ચારેય પુરૂષાર્થોની પ્રાપ્તિ સ્વસ્થ શરીર દ્વારા થાય છે. તેને શિવ પૂરાણમાં પણ અનુમોદન મળ્યું છે કે જ્યાં સુધી શારીરિક સ્વાસ્થ્ય છે ત્યાં સુધી ધર્મનું આચરણ કરતા રહેવું જોઈએ. જ્યારે શરીર અસ્વસ્થ બને ત્યારે બીજાઓ પ્રેરણા આપે તો પણ કર્મ કરવાનો ઉત્સાહ થતો નથી. શારીરિક સ્વાસ્થ્યના ત્રણ ભેદ છે. જેનો ઉલ્લેખ પદ્મપૂરાણમાં પ્રાપ્ત થાય છે, બુધ્ધિની સ્વસ્થતા, મનની સ્વસ્થતા તથા બધી ઈન્દ્રિયોની સ્વસ્થતા જ શારીરિક પૂર્ણ સ્વસ્થતા માનવામાં આવે છે. સ્વસ્થ શરીર દ્વારા જ ધર્મનું આચરણ થઈ શકે છે. આવા મહત્વપૂર્ણ શરીરની રક્ષા માટે મુખ્ય રૂપથી સાત્વિક, સુપાચ્ય તેમજ સ્વાદિષ્ટ ભોજનની આવશ્યકતા રહે છે. શરીર ટકાવવા માટે ભોજનની આવશ્યકતા હોય છે અને ભોજનમાં મુખ્યતત્વ અનાજ હોય છે તેથી બૃહદ નારદીય પુરાણમાં કહેવાયું છેકે, “ શરીરનું પાલન અન્નથી થાય છે. અન્ન જ પ્રાણ છે અને અન્ન પ્રાણ ટકાવનાર છે ” આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિ અને અન્ય ભારતીય વિદ્યાઓની જેમ એક ભારતીય વિદ્યા છે. જેમાં સંપૂર્ણ જીવન વિજ્ઞાન વર્ણવેલ છે. જેમાં મનુષ્યોએ કેવું આચરણ કરવું, કેવું આચરણ ન કરવું, શું ખાવું, શું ન ખાવું વગેરે નિયમ તથા જ્યારે વ્યક્તિ બીમાર પડે ત્યારે રોગ પ્રમાણે ક્યા ઔષધો આપવા તેનું શિક્ષણ આપે છે. જેમાં બતાવેલ સિધ્ધાંતો અને નિયમો આજે પણ એટલા જ ઉપયોગી છે.
આયુર્વેદ જે જીવનનું વિજ્ઞાન છે તેના અનુસાર મનુષ્યના સ્વસ્થ રહેવાની વ્યાખ્યા અત્યંત વ્યાપક છે. માત્ર સ્વસ્થ શરીરવાળા મનુષ્યોને જ સ્વસ્થ ન કહી શકાય પરંતુ શરીરની સાથે જેનું મન અને મગજ (વિચારો) પણ કોઈ વિકારથી પીડિત ન હોય તેને સ્વસ્થ કહી શકાય. સ્વસ્થ મનુષ્ય વિશે મહર્ષિ સુશ્રુતે કહ્યું છે કે, જે વ્યક્તિના વાત્ત, પિત, કફ એ ત્રણે સમાન હોય, જેની જઠરાગ્નિ (પાચનક્રિયા) સમાન હોય, જેના શરીરની ધાતુઓ જેવી કે, રસ, રકત, માંસ, મેદ, હાડકા, મજ્જા, શુક્રની ક્રિયા સમાન હોય, જેનો આત્મા તથા પાંચ કર્મેંન્દ્રીયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા મન પ્રસન્ન હોય તે વ્યક્તિ સ્વસ્થ કહેવાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે એ જરૂરી છે કે, મનુષ્યના આહાર વિહાર સાત્વિક હોય, હિતાવહ અને જરૂરી હોય તેટલો જ આહાર વિહાર સાત્વિક હોય, હિતાવહ અને જરૂરી હોય તેટલો જ આહાર લે તથા યોગ્ય કસરત કરે જેનાથી શરીરમાં રહેલા તત્વો સમાન અવસ્થામાં રહે છે.
કોણ નિરોગી રહી શકે તે માટે મહર્ષિ ચરકે કહ્યું છે કે,…….. સદૈવ હિતકારી આહાર – વિહાર કરનાર, હિતકારક અને વિવેકપૂર્ણ કાર્યો કરનાર, વિષયોમાં આસક્તિ ન રાખનાર, દાનમાં તત્પર, સમાન મનોવૃતિ રાખનાર, સત્યનું આચરણ કરનાર, સત્ય બોલનાર, ક્ષમાવાન, વૃદ્ધોની સેવા કરનાર અને તેમના આદેશોનું પાલન કરનાર સદા નિરોગી રહે છે. આ બધા નિયમોનું પાલન જો શ્રધ્ધાપૂર્વક કરવામાં આવે તો મનુષ્ય સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને સુખેથી જીંદગી વ્યતિત કરી શકે તેમાં સંશય નથી.