સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન, સુરત દ્વારા ભારત-પાકિસ્તાન કાશ્મીર સરહદની મુલાકાત લેવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલા અને ટ્રસ્ટી મનસુખ લાખાણી રાવણીએ નગર ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું કે, તેમની સંસ્થા છેલ્લા છ વર્ષથી વીર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહી છે. આ વર્ષે પણ આગામી દિવાળી નિમિત્તે ઓક્ટોબર મહિનામાં ‘સુરત સે સરહદ તક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે BSFના ડીજી રઘુવીર સિંહ અને કમાન્ડન્ટ વિનય યાદવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, સંસ્થા દ્વારા સેનામાં ફરજ બજાવતી વીરાંગનાઓને સાડીની ભેટ અર્પણ કરવામાં આવી હતી અને જવાનોનું મોં મીઠું કરવામાં આવ્યું હતું. વધુમાં, બિરલાએ માહિતી આપી કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નગર કેમ્પસમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રતિમાનું અનાવરણ ઓક્ટોબર મહિનામાં સંસ્થાની ટીમની બોર્ડર મુલાકાત દરમિયાન કરવામાં આવશે.