
દૂધપથરી કાશ્મીરનું એક ખૂબ જ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. શાંત અને સુંદરતાથી ભરપૂર કાશ્મીરનું આ સ્થળ, જ્યાં વાસ્તવિક સ્વર્ગનો અનુભવ તમે માણી શકશો.
જો તમે ઉનાળામાં ફરવાના શ્રેષ્ઠ સ્થળની મુલાકાત લેવાનું વિચારતા હોવ, તો કાશ્મીરમાં એવાં ઘણાં સુંદર ગામ છે, જે હજુ ય ભીડ અને ઘોંઘાટથી દૂર જ વસી રહ્યાં છે. જો તમારે આવી કોઇ જગ્યાએ જવું હોય તો, તો કાશ્મીરનું દૂધપથરી એટલે દૂધની ખીણ. બસ પહોંચી જ જાવ.
દૂધપથરી વિશે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે.
દૂધપથરી:દૂધપથરી કાશ્મીરનું એક ખૂબ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. દરિયાઈ સપાટીથી ૨,૭૩૦ મીટરની ઉંચાઈએ સ્થિત, દૂધપથરીમાં લીલાછમ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો તમને એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે.
દૂધપથરીમાં જોવાલાયક સ્થળ
૧. શાલીગંગા નદી:
ઊંચા પર્વતોમાંથી વહેતી શાલીગંગા નદી એક અદ્ભુત નજારો ઊભો કરે છે. જે તમે દૂધપથરી આવીને આ નજારાને રૂબરૂ જોઈ-માણી શકશો. કંઈ જ ન કરતા, તમે અહીં શાંતિથી બેસીને આસપાસના સૌંદર્યને માણશો તો પણ તમને એક પ્રકારની માનસિક શાંતિનો અહેસાસ થશે. શાલીગંગા નદી દૂધપથરીમાં એવી જ એક જગા છે, જ્યાં તમે ઘાસના મેદાનમાં લગભગ ૨ કિ.મી.ની મુસાફરી કરીને અહીં પહોંચી શકો છો. અહીંનો અવિસ્મરણીય નજારો જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો.
૨. દિશ્ખાલ:
દૂધપથરીના ટોચના પ્રવાસન સ્થળોમાંનું એક એટલે દિશ્ખાલ. જ્યાં તમે ટ્રેકિંગ કરીને પહોંચી શકો છો. વિશાળ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો એકસાથે એવો નજારો રજૂ કરે છે કે, જાણે તમે કોઈ વિદેશી સ્થળે ફરતા હોવ. પ્રકૃતિ પ્રેમીઓએ તો આ સ્થળ બિલકુલ ચૂકવું ના જોઈએ.
૩. તાંગર:
અહીંના તાંગર ગામથી દૂધપથરીનો તમારો પ્રવાસ શરૂ કરો. તાંગર એક નાનું પણ ખૂબ સુંદર ગામ છે. તાંગર ગામ ચારે બાજુથી પહાડ, પાઈન અને દિયોદરના જંગલથી ઘેરાયેલું હરિયાળું ગામ છે. તમે અહીં કેમ્પિંગ, ટ્રેકિંગ અને ફોટોગ્રાફી જેવી ઘણી બધી મનોરંજક પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો.
દૂધપથરી ફરવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો:
જો તમે દૂધપછરીનો અદ્ભુત નજારો જોવા-માણવા માગતો હો, તો મે થી સપ્ટેમ્બર મહિના દરમિયાન કોઈપણ સમયે જઇ શકો છો. આ સમયગાળામાં બહુ ઠંડી હોતી નથી, એટલે કે તમે આરામદાયક કપડાં પહેરીને ફરવાની મોજ-મજા માણી શકો છો. હિમવર્ષાના કારણે શિયાળામાં મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે.
દૂધપથરી કેવી રીતે જશો ?:
– ફ્લાઈટથી: જો તમે ફ્લાઈટથી દૂધપથરી જવા માગતો હો, તો તમારે પહેલાં શ્રીનગર જવું પડે. ત્યાંથી તમને દૂધપથરી જવા માટે કાર કે ટેક્સી મળી રહેશે.
– ટેક્સીથી: જો તમે શ્રીનગરથી સીધા દૂધપથરી જવા માગતા હો, તો શ્રીનગર બડગામ થઈને દૂધપથરી પહોંચી શકશો. તમે એકલાં કે શેરિંગથી ટેક્સીમાં જઈ શકશો.
– બસથી: શ્રીનગરથી દૂધપથરી જવા માટે કોઈ સીધી બસ મળતી નથી. દૂધપથરી જવા માટે લાલ ચોકથી બડગામ જવા બસ મળશે. પછી બડગામથી ખાનસાહિબ સુધી જવા માટે તમારે બસ બદલવી પડશે, ત્યાંથી તમને દૂધપથરી માટે કેબ મળી શકશે.
sanjogpurti@gmail.com