આપણી સામે વારંવાર અંધશ્રદ્ધાને લઈને સમાચાર સામે આવતા હોય છે. આ દરમિયાન વધુ એક એવી ઘટના સામે જેને જાણીને તમે પણ ચોંકી જશો. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેણે વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચેની સીમાઓ પર ચર્ચા ઉભી કરી છે. આ ઘટના મધ્ય પ્રદેશના એક પરિવારની છે, જેઓ તેમના સ્વજનની આત્માને ઘરે લઈ જવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, લગભગ છ મહિના પહેલાં, મધ્ય પ્રદેશના એક વ્યક્તિનું દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પરિવારને ધ્યાને આવ્યું કે, તેમની સાથે કેટલીક અસામાન્ય ઘટનાઓ બની રહી હતી. આ અસામાન્ય અનુભવોનું કારણ જાણવા, પરિવારે એક ભૂવાનો સંપર્ક કર્યો હતો. ભૂવાએ દાવો કર્યો કે, તેમના સ્વજનની આત્મા હજુ પણ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ફસાયેલી છે અને તેને મુક્ત કરવા માટે ખાસ વિધિની જરૂર છે.

આ વાતના આધારે, પરિવાર ભૂવા સાથે દાહોદ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં ભૂવાએ ધૂણતા-ધૂણતા એક વિચિત્ર વિધિ શરૂ કરી હતી. આ વિધિ દરમિયાન ભૂવાએ દાવો કર્યો કે, આત્માએ કેરી, દ્રાક્ષ અને પાણીની માંગણી કરી છે. ભૂવાની આ વિધિ અને તેના દાવાઓએ હોસ્પિટલમાં હાજર લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા.

વિજ્ઞાનનો મજબૂત આધાર ધરાવતી હોસ્પિટલમાં આવી અંધશ્રદ્ધાળુ પ્રવૃત્તિ જાવી એ દરેક માટે અજીબ અનુભવ હતો. પરિવારે ભૂવાની સૂચનાઓને અનુસરીને વિધિ પૂર્ણ કરી અને એવું માન્યું કે, તેઓ તેમના સ્વજનની આત્માને ઘરે લઈ જઈ રહ્યા છે.

આ ઘટનાના સમાચાર ઝડપથી ફેલાયા અને સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકોએ આને અંધશ્રદ્ધા ગણાવી, જ્યારે અન્યએ આત્મા અને અલૌકિક શક્તિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ વિજ્ઞાન અને આસ્થા વચ્ચેના તફાવતને ફરી એકવાર ઉજાગર કર્યો છે. ઝાયડસ હોસ્પિટલના આ દ્રશ્યોએ લોકોને વિચારવા મજબૂર કર્યા કે, આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા કેવી રીતે માનવ મનને પ્રભાવિત કરે છે.આ સમગ્ર ઘટનાની અમે પૃષ્ટિ કરતું નથી. આ ઉપરાંત, અમે આ પ્રકારની માન્યતા કે અંધશ્રદ્ધાને પણ પ્રોત્સાહન આપતા નથી.