ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી-એપ્રિલ ૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૬ નગરપાલિકાઓ અને ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓ માટે મતદાન તારીખ ૨૬-૦૪-૨૦૨૬ના રોજ અને મતગણતરી તારીખ ૨૮-૦૪-૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમો હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.કોઈપણ ઉમેદવાર કે વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, ર્હોડિંગ્સ અને કટઆઉટ્‌સ જેવા પ્રચારના સાધનો કોઈપણ જાહેર જગ્યાએ અથવા રસ્તા પર મૂકી શકાશે નહીં અને તે માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત જાહેર કે ખાનગી મકાનોની દીવાલો પર સૂત્રો લખવા અથવા પોસ્ટર ચોંટાડવા પર પ્રતિબંધ રહેશે અને સંબંધિત કાયદાઓનો કડક અમલ કરવાનો રહેશે. ઉમેદવારીપત્રો ભરવા કે ચકાસણી સમયે મોટા સરઘસ કાઢવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કાફલામાં ત્રણથી વધુ વાહનો એકીસાથે લઈ જઈ શકાશે નહીં અને ડોર-ટુ-ડોર પ્રચાર માટે ઉમેદવાર સાથે મહત્તમ પાંચ જ વ્યક્તિઓ જઈ શકશે. સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર ચારથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તેમજ સભા કે સરઘસ માટે ચૂંટણી અધિકારીની મંજૂરી લેવી પડશે. આ હુકમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ આદેશ તારીખ ૩૦-૦૪-૨૦૨૬ સુધી સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે.