ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ જાહેરનામા અને નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવતાં જ, આજથી રાજ્યભરમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આગામી ૨૬ એપ્રિલે ૧૦ હજારથી વધુ બેઠકો માટે મહાસંગ્રામ ખેલાશે, જેને લઈને રાજકીય પક્ષો અને ટિકિટ વાંચ્છુકોમાં ભારે હલચલ મચી ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો ૧૧ એપ્રિલ સુધી પોતાનું ફોર્મ ભરી શકશે અને ત્યારબાદ ૧૩ એપ્રિલે ચૂંટણી અધિકારીઓ દ્વારા ભરાયેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, જે ઉમેદવારો કોઈ કારણસર ચૂંટણી લડવા નથી માંગતા, તેઓ ૧૫ એપ્રિલ સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકશે. આમ, ૧૫ એપ્રિલની સાંજ સુધીમાં કઈ બેઠક પર કયા ઉમેદવારો વચ્ચે ટક્કર થશે, તેનું અંતિમ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આ અત્યાર સુધીની સૌથી મોટી માળખાકીય ચૂંટણીઓ પૈકીની એક છે. આગામી ૨૬ એપ્રિલના રોજ ૧૫ મહાનગરપાલિકાઓ (મનપા), ૩૪ જિલ્લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયતો અને ૮૪ નગરપાલિકાઓ માટે એકસાથે મતદાન યોજાશે. આ ઉપરાંત, વિવિધ કારણોસર ખાલી પડેલી ૧૧ નગરપાલિકાઓની ૧૩ બેઠકો માટેની પેટાચૂંટણી પણ આ જ દિવસે યોજાવાની છે.
આગામી ૨૬ એપ્રિલે મતદાન અને ત્યારબાદ ૨૮ એપ્રિલે મતગણતરી પૂર્ણ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની માળખાકીય ચૂંટણીઓ સંપૂર્ણપણે પૂર્ણ થશે. મહાનગરપાલિકાથી લઈને પંચાયત સ્તર સુધીના તમામ વોર્ડ અને બેઠકો પર નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સત્તાનું સુકાન સંભાળશે. આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત થતાં જ તમામ જિલ્લા અને તાલુકા મથકો પર ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જાવા મળી રહી છે.