ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ સાથે રાજ્યના આશરે ૩૦ જેટલા સિનિયર આઇપીએસ અધિકારીઓની ટીમ પણ આ કચ્છની મુલાકાત જાડાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ આજે સવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસન, પોલીસ અધિકારીઓ અને બીએસએફ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સમગ્ર ટીમે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા  સીમાવર્તી વિસ્તારોની મુલાકાત શરૂ કરી છે.આ પ્રવાસનો મુખ્ય હેતુ સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે. હર્ષ સંઘવીની આગેવાની હેઠળની આ ટીમ ગામડાઓમાં જઈને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, માળખાગત સુવિધાઓ, પીવાના પાણી, વીજળી, રસ્તા, રોજગાર અને સુરક્ષા જેવી બાબતોની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. રાજ્ય સરકારની પહેલ છે કે સીમાવર્તી વિસ્તારોમાં લોકોના જીવનસ્તરને સુધારવા માટે સ્થાનિક સ્તરે શું જરૂરિયાતો છે તે સ્થળ પર જઈને જાણી શકાય.આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના સરપંચો, સ્થાનિક નાગરિકો, મહિલા સમૂહો અને યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે તેમની રોજિંદી સમસ્યાઓ, આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ, પીવાના પાણીની તંગી, તથા પરિવહનની મુશ્કેલીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ઉપરાંત આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી અને આઇપીએસ અધિકારીઓ વિવિધ ગામડાઓમાં જઈને રાત્રી રોકાણ પણ કરશે. નાયબ મુખ્યમંત્રી સ્વયં સ્થાનિક રહેઠાણમાં, પરંપરાગત ભૂંગામાં રોકાણ કરશે.રાજ્ય સરકારની આ પહેલ હેઠળ કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા વિકાસ કાર્યો, રોડ કનેક્ટવિટી, આરોગ્ય સવલતો અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવશે. સાથે સાથે ક્્યાં સુધારો શક્્ય છે તે અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ વિઝીટ મહત્વની મનાય છે.