રાજકોટની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. હવે ઉપલેટા તાલુકામાં પક્ષને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટા તાલુકા કોંગ્રેસના મહામંત્રી તરીકે કાર્યરત સિરાજ ખેભરે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પક્ષમાં સક્રિય રહી કાર્ય કરી રહ્યા હતા અને સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવતા હતા. ચૂંટણી પહેલા જ પક્ષમાં આ પ્રકારના રાજીનામાઓને કારણે આંતરિક મતભેદો અને અસંતોષ સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ જેતપુર વિસ્તારમાં પણ પક્ષના એક પીઢ કાર્યકરે રાજીનામું આપ્યું હતું, જેના પગલે હવે ઉપલેટામાં પણ ભંગાણ સર્જાયું છે.
આ તરફ સિરાજ ખેભરે પોતાનું રાજીનામું સ્વેચ્છાએ આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પક્ષની અંદરની ગતિવિધિઓ અને અસંતોષ તેના પાછળનું કારણ હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આવી ઘટનાઓ પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. કારણ કે ચૂંટણી સમયે સંગઠન મજબૂત હોવું જરૂરી હોય છે, પરંતુ હાલ કોંગ્રેસમાં એક પછી એક ઝટકાઓને કારણે સંગઠન પર અસર પડવાની શક્્યતા છે.