ગામનાં યુવાન અને અપરિણિત છોકરાઓમાં આજે હરખ જાગ્યો હતો. જે થોડાં સમય પહેલાં પરણ્યા હતાં તેઓ પસ્તાઈ રહ્યાં હતાં. અને જેઓ આ લાડુ ખાઈને અડધી મંઝિલ કાપી ચુક્યા હતાં તેઓ આ હરખાઈ ગયેલાં યુવાનોને હવામાં ઉડતાં જોઈ રહ્યાં હતાં અને એનું પરિણામ કેવું હશે તેની એને તો ખબર જ હતી. એટલે તેઓ મનોમન હસી પણ રહ્યાં હતાં.
પણ ગામનાં યુવાન અપરિણિત છોકરાઓ એટલાં હરખમાં શા માટે હતાં તેનું કારણ એ હતું કે, તે ગામની એક સૌથી સુંદર, સુશીલ, પોતાનાં પગભર અને સૌથી શ્રેષ્ઠ અપરિણીત યુવતીએ એક જાહેરાત કરી હતી. એ જાહેરાત એ પ્રમાણે તે યુવતીએ પોતાની પાળેલી એક બિલાડીની ડોકમાં એક ચાવી લટકાવેલી હોય છે. અને એ ચાવીથી ખુલતું તાળું એક રૂમમાં મારેલું હોય છે જે રૂમમાં એક વીંટી મુકેલી હોય છે. અને એવી શરત રાખે છે કે જે કોઈ આ બિલાડીને પકડીને ચાવી સાથે ઊંચકીને આ રૂમ ખોલીને પેલી વીંટી લાવી આપશે તેને પેલી સ્ત્રી પરણશે.
આ વાત સાંભળીને યુવાનોમાં તો હરખ આવી જ જાય. કોઈ ચાંદ-તારા તોડી આવવાના નહોતાં. કે કોઈ એવું બધું મુશ્કેલી ભર્યું કામ નહોતું. ખાલી એક બિલાડી જ તો હતી. બસ એને પકડીને એક તાળું જ ખોલવાનું હતું.
કોઈએ પાંજરું મૂક્યું, કોઈએ બિલાડીને પકડવા માટે ઉંદરને પકડ્‌યા, કોઈએ જબરદસ્તીથી પકડવા મહેનત કરી પણ કોઈનાં હાથમાં એ ચંચળ બિલાડી ન આવી તે ન જ આવી.
એ ગામમાં એક હોંશિયાર યુવાન પણ હતો. તેને પણ પેલી સ્ત્રીને પરણવું હતું. તે બીજા બધા યુવાનોને જોઈ રહ્યો હતો. બધા પેલી બિલાડીને પકડવા ખૂબ મહેનત કરતાં હતાં પણ કોઈના હાથમાં આવતી નહોતી. તેથી તેણે તેનાં દાદા પાસે જઈને બધી વાત કરી અને કહ્યું કે મને આ બિલાડી પકડવામાં કંઈક મદદ કરો.
એટલે તેનાં દાદાએ તેને કહ્યું કે, બિલાડીને પકડવા માટે જે પ્રયત્નો કરે છે એ બધાં વ્યર્થ છે. એમ કોઈથી બિલાડી નહિ પકડાય. પહેલાં તારે તેને તારામાં વિશ્વાસ બેસાડવો પડે. તેનાં માટે તારે બીજા બધાં પકડતાં હોય ત્યારે તેનાથી બચાવવી જોઈએ. પછી પ્રેમથી તેની સાથે વર્તન કરવું પડે. અને તેને સુરક્ષાની લાગણી મહેસુસ કરાવવી પડે.
અને પેલા યુવાને એમ જ કર્યું. તો પેલી બિલાડી સહેલાઈથી બે જ દિવસમાં તેની સાથે રહેવા લાગી. અને પેલા યુવાને આસાનીથી તેને ઊંચકીને તેની ડોકમાં રહેલી ચાવી વડે પેલું તાળું ખોલી ને વીંટી મેળવી લીધી.
અને પેલી સ્ત્રી સાથે તેનાં ધામધુમથી વિવાહ થઈ ગયાં. પછી બંને જ્યારે તેના દાદા પાસે આશીર્વાદ લેવા ગયા તો દાદાએ કહ્યું કે, હવે તારે તારી પત્ની સાથે પણ જેમ તે બિલાડી સાથે કર્યું એમ જ રહેવાનું છે. પહેલાં તેને સુરક્ષા આપીને એનામાં તારા પ્રત્યે વિશ્વાસ બેસાડવાનો અને પછી પ્રેમથી રહેવાનું. પછી તને તારા જીવનમાં કંઈ પણ મેળવવામાં તારી પત્ની તને સાથ આપશે.
odedarariddhi339@gmail.com