રાજ્યના મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે. અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેકટર કે.કે શાહ અને કર્મચારી પંકજભાઈ શાહ દ્વારા કરાતી લાંચની માંગણીની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં બન્ને અધિકારીઓ દ્વારા એક દસ્તાવેજના ૫ હજારથી ૧૦ હજાર રૂપિયા સુધીની લાંચ માગવામાં આવી રહી છે.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા કરેલી હાંકલને પગલે અમદાવાદની કચેરીમાં હાઈકોર્ટના વકીલએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે.ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.ઉલ્લેખનીય છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોઈ પણ અધિકારી કે કર્મચારી જા તમારી પાસેથી પૈસા માંગતો હોય તો ખુફિયા રેકોર્ડ કરીને અમને મોકલો. ના મંજૂર કરવા ખાતર ના મંજૂર કરવાના મુદ્દાઓમાં પણ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. ક્યાંક ખોટું થતું હોય તો સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.