કસ્ટમ ક્લીયરન્સ બાદ ટ્રકો ગેટની બહાર કાઢવા માટે રૂ.૯૮૫૦ ની લાંચ લેતા કંડલા કસ્ટમ વિભાગના હેડ હવાલદારની એસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીની કંપની દ્વારા કંડલા પોર્ટમાં આવતો જતો માલ સામાનને કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલની કામગીરી થતી હતી.
જેમાં ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હતા. કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવાલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે છેલ્લા બે મહિનામાં કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપ પેટે રૂ.૯૮૫૦ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કર્યો હતો. જેમાં સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા ,ગાંધીધામ-કચ્છ- (પૂર્વ) ખાતે લાંચનું છટકું ગોઠવીને રૂ. ૯૮૫૦ ની લાંચ લેતા જીગ્નેશ બળીયાને ઝડપી લેવામાંઆવ્યો હતો.