પ્રાચીન કવિ દયારામે પોતાના કાવ્ય રસિક વલ્લભમાં ‘‘જીર્ણગઢ જૂનાગઢનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય અર્થે ‘‘જૂનોગઢ’’ થાય છે. સૌરાષ્ટ્રની આ ધરતી વીર, સંતો અને શ્રેષ્ઠ સમાજ સુધારકોની છે. પ્રાચીન ગિરિમાળા ગિરનારની તળેટીમાં વસેલું છે. જેની લીલી પરિક્રમાનું આધ્યાત્મિક મહત્વ છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં ૧ જૂન ૧૯૬૭માં આદરણીય-શિક્ષણવિદ્દ-કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી સાહેબનો જન્મ થયો હતો. માતા-પિતાના શ્રમિક અને સરકારી ગુણો વારસામાં પ્રાપ્ત થયા હતા. પ્રાથમિક શિક્ષણ સાંતલપુરમાં પ્રાપ્ત કર્યુ. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં જવાહર વિનય મંદિર શાપુર (સોરઠ)માં મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ સ્નાતક બહાઉદીન વિનયન કોલેજ જૂનાગઢમાં પ્રાપ્ત કર્યુ. શ્રી નીતિનભાઈ સાહેબનો પ્રારંભિક અભ્યાસ તેજામય રહ્યો. વિદ્યાર્થી અવસ્થાથી તેમની સંશોધન કરવાની જિજ્ઞાસા રહી. શાળા અભ્યાસમાં હંમેશા અગ્રેસર રહ્યા. શાળાના શિક્ષકવૃંદમાં નામાંકીત વિદ્યાર્થી રહ્યા. માતા – પિતાના સંસ્કારો અને આદર્શો થકી આવનાર સમયમાં જાણીતા શિક્ષણવિદ્દ બનશે તેવી પરિવાર અને આજુબાજુના વિસ્તારમાં ચર્ચા થતી રહેતી જે સાચી પુરવાર થઇ. અનુસ્નાતકનો અભ્યાસ કરવા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ મેળવ્યો. મનોવિજ્ઞાન વિષયમાં પ્રથમ વર્ગે ઉત્તિર્ણ થયા. પુસ્તકાલયોમાં જઇને સંદર્ભ સાહિત્ય અને વાંચનની મીમાંસાને લક્ષ્ય બનાવીને આગળ વધ્યા.
સરદાર પટેલનું વતન કરમસદ-વિદ્યાનગરથી એકદમ નજીક હોવાથી તેમના જીવન-કવન અને રાષ્ટ્રસેવાના કાર્યોએ પ્રેરણા આપી. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. જેમનામાં પુરુષાર્થ કરવાની નૈતિક ભાવના હોય તે વ્યક્તિ અચૂક સફળ થાય છે. તેમનું લક્ષ્ય કોલેજના પ્રાધ્યાપક બનવાનું હોવાથી તે ક્ષેત્રે આગળ વધતા રહ્યા. સંશોધન જરૂરિયાતની જનેતા બને છે. વર્તનમાં પરિવર્તન લાવનારો વિષય એટલે મનોવિજ્ઞાન. ડો. નીતિનભાઈ પટેલ સાહેબ તાર્કિક, વૈજ્ઞાનિક અને આદર્શ ચિંતનમાં માનનારુ વ્યક્તિત્વ છે. તેમને સંશોધન કાર્ય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈડર સંલગ્ન હેંમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણમાં કર્યુ.
તેમની શૈક્ષણિકયાત્રા મનોવિજ્ઞાન વિષયના ખંડ સમયના વ્યાખ્યાતા શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-પેટલાદથી શરૂ કરી. ત્યારબાદ શ્રી અને શ્રીમતી પી.કે કોટાવાલા આટર્સ કોલેજ-પાટણમાં પોણા-બે દાયકા સુધી પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. પાટણ એટલે ગુર્જર નગરની રાજધાની નગર. જયાં સિદ્વરાજ જયસિહે હેમચંદ્રાચાર્ય સાહેબ લિખિત ‘‘સિદ્વ હેમ શબ્દાનુશાસન’’ ગ્રંથની ગજ નગરયાત્રા કાઢી હતી તે ઐતિહાસિક નગરમાં અધ્યાપક તરીકે કર્મશીલ, ફરજનિષ્ઠ અને વિદ્યાર્થીપ્રિય તરીકે આખા પંથકમાં જાણીતું વ્યક્તિત્વ બન્યા. સૌમ્ય અને બીજાને મદદ કરવાના ભાવનાશીલ સ્વભાવના લીધે અનેક વિદ્યાર્થીઓના રોલમોડલ બન્યા છે. તેમની પાસે આવેલ વિદ્યાર્થી સારો મેસેજ અને પ્રેરણા લઈને જાય.
યુવાવસ્થાથી રાષ્ટ્રવાદની ભાવના તેમના માનસમાં કેળવાયેલી હતી. રાષ્ટ્ર નિર્માણ માટે શ્રેષ્ઠ યુવાપેઢી તૈયાર કરવી પડશે. ‘‘આચરે તે આચાર્ય’’ તેવા સદગુણો ધરાવતું વ્યક્તિત્વ એટલે ડો.નીતિનભાઈ પેથાણી સાહેબ તા.૧૭/૦૬/ર૦૦૮ થી દેસાઈ સી.એમ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ આચાર્ય તરીકે પદ શોભાવી રહ્યા છે. આ કોલેજમાં ડો.બહેચરભાઈ પટેલ-ગાંધીવાદી-સાહિત્ય મીમાંસક-કેળવણીકાર પૂર્વ આચાર્ય હતા. તેમના આદર્શો -શિક્ષણસેવા અને શિસ્તની પાઠ ડો.પેથાણી સાહેબને ડો.બહેચરભાઈ સાહેબ પાસેથી પ્રાપ્ત થયા હતા. આજે પણ આ કોલેજના આચાર્ય તરીકે ચાલુ છે.
શ્રેષ્ઠ કાર્ય અને કર્મ હોય તેમની શૈક્ષણિક સેવાનો લાભ રાજય સરકાર અચૂક લે છે. તે જરૂરી છે. તેમણે સેનેટ તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. બોર્ડ ઓફ સ્પોર્ટસ સભ્ય-ગુજરાત યુનિ.ને સેવા આપી છે. ગુજરાતની નામાંક્તિ યુનિવર્સિટીમાં અનેક હોદ્દાઓ ગ્રહણ કર્યા. જેથી રાજયસરકારના શિક્ષણ વિભાગે કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠાને ધ્યાને લઈ ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળ-ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે વિશેષ જવાબદારી આપી. લેખકશ્રીને ડો.પેથાણી સાહેબનું માર્ગદર્શન મળેલ છે. પાઠયપુસ્તક એ વિદ્યાર્થી માટે જ્ઞાનની ગંગોત્રી અને શિક્ષણની ભગવતગીતા છે. ઉત્તમ અને સર્વોત્તમ પાઠપુસ્તકો તૈયાર થાય તેવા સમર્થ પ્રયત્ન કરેલ. બે વાર પાઠયપુસ્તક મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી. સરકારશ્રીએ વિશ્વવિદ્યાલય-ફેબ્રુઆરી-ર૦૧૯થી કુલપતિ તરીકે (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ)માં નિમણૂંક કરી. કાર્યની સુંગંધ ઉચ્ચ શિક્ષણ સુધી ફેલાઈ.
મુલાકાતી અધ્યાપક તરીકે ઈડર, મહેસાણા, પાટણ વગેરેમાં ફરજ નિષ્ઠાથી કાર્ય નિભાવ્યું છે. પરામર્શક તરીકે બાબાસાહેબ આંબેડકર યુનિ. પાટણમાં સેવા આપી છે. ઈગ્નોમાં પરામર્શક તરીકે સેવા આપી છે. પ૦ સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપમાં ભાગ લીધેલ છે. ર૦ પ્રકાશિત લેખો, પુસ્તકો અને સંશોધનપત્રોની રજૂઆત કરેલ છે. ૧૦૦ તજજ્ઞ વ્યાખ્યાનો આપ્યા છે. રૂબરૂ મુલાકાત લીધી છે. અનેક પસંદગી સમિતિમાં જાડાયેલા છે.
રાષ્ટ્રનિર્માણ અને સમાજસેવા માટે વિદ્યાભારતી-ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ, મહામંત્રીમાં સંનિષ્ઠ ફરજ બજાવી છે. નગરઅધ્યક્ષ અને કારોબારી સદસ્ય-અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સેવા આપી છે. શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજમાં અનેક હોદા શોભાવ્યા છે. હાલ તેઓ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના પ્રાંત અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં ઉત્તમોત્તમ સેવા બજાવી રહ્યા છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ડો.નીતિનભાઈ પેથાણી સાહેબ એક સાલસ અને મળવા જેવું વ્યક્તિત્વ છે. તેમના કાર્યો તેમની ઓળખ છે. શિક્ષણની યાત્રા અવિરત ચાલી રહી છે. આવા શિક્ષણવિદ્દ-સમાજસર્જન માટે કાર્ય કરતા હોય તે સમાજ માટે દીવાદાંડી સમાન હોય છે.