સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા તંદુરસ્તી સાથે આર્થિક આયોજન એ સુખી જીવનનો આધાર છે, તે અંગે જાગૃતિ અને દિશા આપવાના હેતુથી ‘હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ’ને કેન્દ્રમાં રાખીને જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૩૧મો થર્સ-ડે થાટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવન અનિશ્ચિતતાથી ભરેલું હોવાથી સારું અને સુરક્ષિત જીવન જીવવા માટે આર્થિક આયોજન ખૂબ જરૂરી છે અને વીમો એ નાણાકીય નુકસાન સામે રક્ષણ આપતું ઉત્તમ સાધન છે. વિમા ક્ષેત્રના તજજ્ઞ અને ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીના ગુજરાત રીજીયન હેડ મિલન સંઘવીએ ‘વીમો શા માટે?’ વિષય સમજાવતા જણાવ્યું હતું કે, વીમો આપણને અનિશ્ચિતતાથી બચાવી શકે છે અને સામાન્ય વીમો એ આપણી અર્થવ્યવસ્થાનું મજબૂત પાસું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માણસે આવકમાંથી બચત અને વીમાનું પ્રીમિયમ બાદ કરીને પછી વધેલી આવકનો ખર્ચ કરવો જોઈએ. આ પ્રસંગે યુવા ઉદ્યોગસાહસિક ડા. ગૌતમ સિંહોરા કે જેઓ પોતાની કંપની સિંહોરા ઇન્ડસ્ટ્રીઝનો આઈ.પી.ઓ. લાવી રહ્યા છે, તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.










































