સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા દર ગુરૂવારે એક નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં હાજર રહેલાઓને આજના સમયમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, હવે મશીન માણસ જેવા થતા જાય છે અને માણસ મશીન બનતા જાય છે. ર૧મી સદીમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીએ ખુબજ ઝડપથી માનવજીવનને પ્રભાવિત કર્યુ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી નવા યુગની શરૂઆત છે અને તેના ઉપયોગમાં પડકાર કરતા પ્રગતિ વધુ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાએ લોકોની માનસિકતાને અસર કરી છે. મોબાઈલને દૂષણ ગણતા પહેલા તેની અનિવાર્યતા સમજવી જાઈએ. એમેઝોન ડીજીટલ સેન્ટર સુરતના બિઝનેસ હેડ સંદિપ કથીરીયાએ જણાવ્યું હતું કે, ઝડપી અને વધુ વેપાર કરવા માટે ઈ-કોમર્સના પ્લેટફોર્મનો ઉપયોગ વધી રહ્યો છે. સુરતની ઓળખ એવા ડાયમંડ ઉદ્યોગમાં હવે ઓનલાઈનનો વેપાર સામાન્ય થઈ ગયો છે. આ તકે ધરતીપુત્ર ડીજીટલ ન્યૂઝના તંત્રી પ્રવિણ આસોદરીયા, હરીકૃષ્ણ એક્ષ્પોર્ટના હિંમતભાઈ ધોળકીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. મહિલા વીંગના ૧૦૦ સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા.