ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસુ પાછુ ખેંચાઈ ગયાનું હવામાન વિભાગે જાહેર કર્યુ છે ચાલુ વર્ષે રાજયને ધમરોળનારા મેઘરાજાએ સરેરાશ કરતા ૮ ટકા વધુ વરસાદ વરસાવ્યો છે. વિદાય પામેલા નૈઋત્ય ચોમાસાના મુખ્ય પાસાઓ વિશે હવામાન વિભાગે રીપોર્ટ જારી કર્યો છે. તેમાં એમ કહેવાયું છે કે ગુજરાતે સીઝન દરમ્યાન ૬૬ દિવસ અતિભારે વરસાદના બનાવોનો અનુભવ કર્યો હતો.
જે દરમ્યાન શહેર કે તાલુકામાં ચોવીસ કલાકનો વરસાદ ૨૦૪ મીમી છે. ૮ ઈંચ કરતા વધુ રહ્યો હતો. સમગ્ર ભારતમાં અતિભારે વરસાદના દિવસોની સંખ્યા ૩૦૦ નોંધાઈ છે તે દ્રષ્ટિએ તેમાંથી અતિભારે વરસાદની ૨૦ ટકા ઘટના માત્ર ગુજરાતમાં જ નોંધાઈ હતી.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું કે અતિભારે વરસાદના દિવસે નહીં પણ ઘટનાઓને ગણતરીમાં લેવાય છે. એક જ દિવસમાં આથી વધુ ઘટનાઓ પણ બની હતી. દેશના તમામ સબ ડીવીઝનોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ સરેરાશ કરતા ૭૫ ટકા વરસાદ નોંધાયો હતો.બીજા ક્રમે પશ્ર્ચિમ રાજસ્થાનમાં સરેરાશ કરતાં ૭૨ ટકા તથા પૂર્વીય રાજસ્થાન સરેરાશ કરતાં ૪૭ ટકા વધુ વરસાદ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.
રીપોર્ટમાં એમ દર્શાવાયું છે કે જુલાઈ માસમાં અતિભારે વરસાદની ૧૨ ઘટના બની તે મોટાભાગે સૌરાષ્ટ્રમાં હતી. ઓગસ્ટમાં આવી ૫૦ ઘટના કચ્છ-સૌરાષ્ટ્ર તથા મધ્ય-દક્ષિણ ગુજરાતમાં બની હતી. સપ્ટેમ્બરમાં આવી ચાર ઘટના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ હતી. ગુજરાત સિવાય અતિ ભારે વરસાદના સૌથી વધુ ૩૭ ઘટનાક્રમ મહારાષ્ટ્રમાં તેલંગાણામાં ૨૭ તથા ત્યારબાદ ઉતરપ્રદેશ-કર્ણાટકમાં ૨૧-૨૧ ઘટના હતી. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગત વર્ષે ૨૦૨૩ માં અતિભારે વરસાદની ૩૦ ઘટના હતી તે આ વખતે ૬૬ થતા ડબલ કરતા વધી ગઈ છે.
ગુજરાત હવામાન વિભાગના વડા અશોકકુમાર દાસે કહ્યું કે, અતિભારે વરસાદ વરસવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. સરેરાશ કરતાં વધુ વરસાદ ધરાવતા રાજયોમાં ગુજરાત મોખરે છે. આ વર્ષે બંગાળની ખાડી સતત રૌદ્ર સ્વરૂપ પકડતી રહી હતી. લો-પ્રેસરની ૧૪ અને ડીપ્રેસનની ૧૪ સીસ્ટમ બની હતી તે મોટાભાગે ઉતર પશ્ર્ચિમ દિશામાં આગળ ધપતા ગુજરાત અને રાજસ્થાન ઝપટે ચડતા રહ્યા છે.
આ વર્ષે ચોમાસું રેખા પણ નોર્મલ કરતાં દક્ષિણ તરફ ઝુકેલી રહી હતી. પરીણામે મધ્ય ભારત ક્ષેત્રમાં પ્રભાવ પડયો હતો. આ દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી તાંડવ સર્જાયુ હતું. જુલાઈમાં દેવભુમિ દ્વારકા તથા પોરબંદર જળબંબાકાર બનતા હતા. જયારે ઓગસ્ટમાં જુનાગઢ ગીર સોમનાથનો વારો નીકળ્યો હતો સપ્ટેમ્બરમાં વડોદરા, અમદાવાદ તથા સુરત જેવા શહેરોમાં આ સ્થિતિ સર્જાઈ હતી.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચોમાસાની સીઝનનો કુલ વરસાદ ગુજરાતમાં સરેરાશથી ૧૩૮ ટકા વધુ છે જે છેલ્લા એક કલાકનો સૌથી વધુ છે.કચ્છમાં સરેરાશથી ૧૮૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૪૮ ટકા.દક્ષિણ ગુજરાતમાં ૧૪૧ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૩૩ ટકા તથા ઉતર ગુજરાતમાં ૧૧૫ ટકા થયો છે.