devdiscourse.com

રાજ્યમાં થોડા દિવસથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં તેમણે માછીમારોને ચાર દિવસ એટલે કે ૨૯ તારીખ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૯મી તારીખ સુધી સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણને કારણે સૌરાષ્ટ્રના દિરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદર જેવા કે, જખો, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખાના માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે.
હવામાન વિભાગના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ ૨૭મી મેથી ૨૯ મે સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે ૪૦થી ૫૦ કિમી પવન ફૂંકાઇ શકે છે.
આ સાથે હવામાન વિભાગે વરસાદ અંગે પણ આગાહી કરી છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દિવસ પવનની ગતિ ૧૦થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજ રહેશે. મોટાભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.