સૌરાષ્ટ્રમાં એક અગ્રણી ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP)ના કામ માટે રાખવામાં આવેલા ‘પ્રમોટર’ યુવાનોનું સખત શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. રોજગારીની તલાશમાં આવેલા યુવાનોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને કંપની દ્વારા શ્રમ કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુવાનો પાસેથી સવારે ૬ વાગ્યાથી રાત્રિના મોડા સુધી, એટલે કે સતત ૧૪ થી ૧૫ કલાક કામ લેવામાં આવે છે. તેમને બપોરે જમવા (લંચ બ્રેક) માટે પણ પૂરતો સમય આપવામાં આવતો નથી. સૌથી ગંભીર બાબત એ છે કે, જો પ્રમોટરો દિવસ દરમિયાનનો નિર્ધારિત ‘ટાર્ગેટ’ પૂરો ન કરી શકે, તો તેમને ૧૫ કલાકની મજૂરી કરવા છતાં એક દિવસનું વેતન (દાડી) પણ ચૂકવવામાં આવતું નથી.







































