સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની ૯ દિવસની રજાઓ બાદ આજથી ફરી વિવિધ જણસીઓની આવક અને હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વરસાદી આગાહી વચ્ચે પણ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ યાર્ડમાં ઉમટી પડતા યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું છે. આજથી શરૂ થયેલા કામકાજમાં ધાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળી અને ચણા સહિતની જણસીઓની મોટી આવક નોંધાઈ છે. યાર્ડમાં ખાસ કરીને ધાણાની ૧.૧૫ લાખથી વધુ ગુણીની મબલખ આવક થવા પામી હતી. હરાજીમાં ધાણાના ૨૦ કિલોના ભાવ ૧૫૦૦/- થી ૨૭૦૦/- રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે ધાણીના ભાવ ૧૮૦૦/- થી ૩૦૦૦/- રૂપિયા સુધી રહ્યા હતા. આ ઉપરાંત, ઘઉંની ૮૦ થી ૯૦ હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના ૨૦ કિલોના ભાવ હરાજીમાં ૪૫૦/- થી ૬૫૦/- રૂપિયા સુધી બોલાયા હતા. અન્ય જણસીઓમાં લસણના ૧૨,૦૦૦ કટ્ટા, ડુંગળીના ૧૨,૦૦૦ કટ્ટા અને ચણાના ૩૦,૦૦૦ કટ્ટાની આવક થઈ હતી.







































