સૌરાષ્ટ્રની ૪૦૦ પ્રાઈવેટ સ્કૂલોનું ફી નિર્ધારણ અટકી ગયું છે. રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેન પી. જે. અગ્રાવત દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજીનામું આપી દીધું હતું. જે બાદ છેલ્લા ૩ માસથી ચેરમેનની નિમણૂક ન થતા સૌરાષ્ટ્રની ૫૦૦૦માંથી ૪૦૦ જેટલી ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાનું કામ અટકી પડ્યું છે. એક મહિના બાદ સ્કૂલોમાં નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થશે અને ત્યાં સુધીમાં જો તે સ્કૂલોની ફી નક્કી કરવામાં નહીં આવે તો સ્કૂલ દ્વારા માંગવામાં આવતી વધુ ફી વિદ્યાર્થીઓએ ભરવી પડશે.

જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર તાત્કાલિક ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણૂકની માગ ઉઠી છે. વાલી મંડળ અને એનએસયુઆઇ દ્વારા આ મામલે ધરણા અને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી કમિટીમાં છેલ્લા ત્રણ મહિનાથી ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે, પરંતુ આ કમિટી અને ખાનગી સ્કૂલ સંચાલકોની મીલીભગત હોવાથી હજુ સુધી આ નિમણૂક કરવામાં આવી નથી.

જેથી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ લૂંટાવવું પડશે.વધુમાં જણાવ્યું હતું કે, ફી નક્કી કરવામાં આવતા ખાનગી સ્કૂલોને બેફામ ફી ઉઘરાવવાનો પરવાનો મળી જશે. જેથી સરકારને વિનંતી કરીએ છીએ કે, તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ફી નક્કી કરી સ્કૂલોને આદેશ આપી દેવો જોઈએ કે તેનાથી વધારે ફી ઉઘરાવવામાં ન આવે. અન્યથા આગામી દિવસોમાં એનએસયુઆઇ દ્વારા ખાનગી સ્કૂલો અને એફઆરસીની કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે.

આ અંગે રાજકોટ વાલી મંડળ ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ કમિટી એક ગતકડું છે. આગામી જૂન મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે તેના ચેરમેનની નિમણૂક હજુ સુધી ન થતા વિદ્યાર્થીઓની ફી નક્કી થવાની કોઈ જ શક્યતા નથી. ફી પણ મનફાવે ત્યારે સ્કૂલો દ્વારા વધારી દેવામાં આવે છે જેનો વાલી મંડળ વિરોધ કરે છે. આગામી દિવસોમાં જો ચેરમેનની નિમણૂક નહીં થાય તો વાલી મંડળ દ્વારા ધરણા આંદોલન કરવામાં આવશે.

ખાનગી સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચે મોટી સાંઠગાંઠ છે અને તેના કારણે ફી નિયમન સમિતિ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયગાળામાં નિયમન કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે અમારા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી કે, આ કમિટીમાં વાલી મંડળના સભ્યને પ્રતિનિધિ સ્વરૂપે સ્થાન આપવામાં આવે પરંતુ તેવું ન થયું અને માત્ર ખાનગી સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિઓ રાખવામાં આવ્યા. જેથી હાલ બાલ મંદિરમાં પણ વિદ્યાર્થી દીઠ લાખ રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે.

સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં કાર્યરત ફી નિયમન સમિતિમાં ચેરમેન તરીકે પી. જે. અગ્રાવત દ્વારા જાન્યુઆરી માસમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપવા માટેનો પત્ર રાજ્ય સરકારને લખ્યો હતો. જે બાદ સરકાર દ્વારા તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું. જેઓ ગોંડલથી મોટાભાગે અઠવાડિયામાં ૨ વખત રાજકોટ આવી મિટિંગ કરતા હતા. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટેની બેઠકો બંધ થઈ ગઈ છે અને તેથી સ્કૂલોની ફી હવે નક્કી નહીં થઈ શકે. જેનો સીધો ફાયદો ખાનગી સ્કૂલોને થશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને સ્કૂલો દ્વારા જે ફી ભરવાનું કહેવામાં આવે તે જ ફી હાલ ભરવી પડશે.