કાઠિયાવાડના કોઈપણ ગામડામાં જઈ ચડીએ ને ગળતી રાતના લોકડાયરામાં કોઈ ભજનિક સંગીતની સૂરાવલી સાથે ‘‘હાલો કીડીબાઈની જાનમાં ’’ ભજન ઉપાડે ત્યારે ડાયરો હિલોળે ચડે, હાકલા પડકારા થાય, રૂપિયાના બંડલ ઉડે અને સૌ મસ્તીમાં ભાવ-વિભોર બની જાય છે. ભજનના અંતે ભોજા ભગતનું નામ આવે છે. સૌરાષ્ટ્રના આ સુપ્રસિધ્ધ સંત કવિ ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી બધા પરિચિત હશો જ. તેમની જન્મજયંતી પ્રસંગે વિશેષ વંદન સાથે તેમના જીવનની ઝાંખી કરીએ. ‘‘ચાબખા’’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા ભોજા ભગતનો જન્મ તા.૭-પ-૧૭૮પ ના રોજ જેતપુર પાસેના દેવકી ગાલોળ ગામમાં ભોળા હદયના કૃષ્ણ ભક્ત શ્રી કરશનદાસ સાવલિયાને ત્યાં થયો. તેમની માતાનું નામ ગંગાબાઈ હતું. પૂર્વજન્મનું અધૂરુ રહેલ કાર્ય પૂર્ણ કરવા ધર્મપરાયણ જીવન જીવતા દંપતીને ત્યાં વૈશાખી પૂનમના દિવસે જન્મ લઈને ‘‘ચાબખા’’ પ્રકારના ભજનો વડે એમણે મનુષ્યને ભÂક્તમાર્ગનો ઉપદેશ આપ્યો છે. કાયા તોડીને ખેતરમાં કાળી મજૂરી કરનાર, કણમાંથી મણ અનાજ પેદા કરનાર કાઠીયાવાડના કણબી ખેડૂનો અભણ દીકરો ઈશ્વર સાથે અંતરના તાર બાંધી પ્રભાતિયા, કીર્તન, ભજન, ધોળ, કાફી, હોરી, બાવનાક્ષરી, કવિતા અને સરવડાની સરવાણી વહાવી સમગ્ર સૌરાષ્ટ્રના લોકજીવનને ભક્તિથી ભીંજવી દે એને પૂર્વજન્મના જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારો સમજવા પડે, માનવા પડે. બાળ ભોજા ભગત બાર વર્ષ સુધી દુધાહારી રહ્યા. એ વખતે ગિરનારમાંથી ‘રામેતવન’ નામના અતીત યોગી દેવકીગાલોળ આવતા. આ દિવ્ય કાંતિવાળા બાળકને મળ્યા. ચાર આંખો મળી. તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શÂક્તપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી. મન, વચન અને કર્મથી જનસેવાનો મહામંત્ર આપ્યો અને કહ્યું ‘આ બાળક માનવકલ્યાણ કરવા, સમાજનો ઉધ્ધાર કરનાર મહાવિભુતિ અને ઈશ્વરમાં એકાકાર થઈ જનાર યોગી છે. જીવનનાં ર૪ વર્ષ સુધી દેવકીગાલોળ રહ્યા પછી દુષ્કાળના કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું. અહી માસીયાઈ ભાઈને ત્યાં થોડો સમય રહ્યા. પણ ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામરટણમાં રત રહેવાની ઈચ્છા જાગી. એ કાળે અમરેલીની નજીકમાં ફતેપુરિયા નામે ઉજજડ ટીંબો હતો. બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે ગાઢ વૃક્ષ વનરાજીની રમણીયતા હતી. વહેમ અને અંધશ્રધ્ધાના અંધારા ઉલેચવા ભોજા ભગતે અહીં જ આશ્રમ બાંધ્યો. અને ભજન સત્સંગ દ્વારા લોકોને સાચી સમજણ આપવા લાગ્યા. લોકો તેમના દર્શન કરવા અને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. અનેક મનુષ્યો એમના શિષ્ય બન્યા. એ પૈકીના શિષ્ય મંડળમાં બે શિષ્યો મુખ્ય હતા. વિરપુર નિવાસી સંતવર્ય જલારામ બાપા અને બીજા ગારીયાધારના ભક્ત વાલમરામ. આ બંને શિષ્યોની ધાર્મિક જગ્યામાં માનવકલ્યાણની જયંતિ અહર્નિશ જલતી રહી છે. સેવાના અમરધામ બન્યા છે. અભ્યાગતોને મીઠો આવકાર, ભૂખ્યાને ભોજન અને દુઃખિયાને દિલાસો મળે છે. ફતેપુર ભોજલધામ બની ગયુ છે. જય ભોજલરામ…..