ગુજરાતના દરિયા કાંઠે અરબ સાગરમાં ત્રાટકેલું શક્તિ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડું હાલમાં અરબ સાગરમાં ઓમાન તરફ ફંટાઈ રહ્યું હોવાથી ગુજરાત પરથી મોટી ઘાત ટળી છે, પરંતુ તેમ છતાં ગુજરાતના કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ મુજબ, શક્તિ વાવાઝોડું અરબસાગરમાં હાલ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે ઓમાનથી ૩૨૦ કિલોમીટર દૂર છે. ૬ ઓક્ટોબર બાદ વાવાઝોડું નબળું પડશે. જાકે ત્યાંથી ફરી યુ-ટર્ન મારીને વાવાઝોડું ગુજરાત તરફ ફરશે.અમદાવાદના હવામાન વિભાગના વડા અભિમન્યુ ચૌહાણ કહે છે કે, “ચક્રવાત શક્તિ ૬ ઓક્ટોબરે સવારે ફરી વળશે અને પૂર્વ-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધશે. જાકે, ગભરાવાની જરૂર નથી કારણ કે ગુજરાત પર તેની અસર ઓછી રહેશે. ૮ ઓક્ટોબરે, ગુજરાતના કેટલાક ભાગો – દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.”ગુજરાતમાં દરિયા કિનારા પર શકિત વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે, અને ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે છે અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી પણ શકે છે. સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ શક્તિ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વ્યાપક અસર કરી શકે છે અને ૨૪ કલાકમાં વિકરાળ સ્વરુપ પણ ધારણ કરી શકે છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે ‘શક્તિ’ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ઓખા અને સલાયા બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દીધું છે.









































