દરિયામાં બોક્ષ ફિશિંગ,
(એ.આર.એલ),નવસારી,તા.૧
દરિયા વચ્ચે જમીનની જેમ પોતાની માલિકીનો કબજા જમાવીને બોક્ષ ફિશિંગ કરનારા સૌરાષ્ટ તરફના માછીમારો સામે દક્ષિણ ગુજરાતના માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારીના દરિયામાં ૭ નોટિકલ માઈલમાં આવીને બોક્ષ ફિશિંગ કરતા દક્ષિણ ગુજરાતના માછીમારોને લાખોનું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી સરકાર દરિયામાં બોક્ષ ફિશિંગ કરનારા માછીમારો ઉપર અંકૂશ લગાવીને લાઇન ફિશિંગ કરનારા નાના માછીમારો માટે સરકાર સકારાત્મક નિર્ણય લે એવી માંગણી પણ ઉઠી છે
નવસારી જિલ્લાને ૫૨ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. નવસારી સહિત વલસાડના ઉંમરગામથી ભરૂચ સુધીના હજારો માછીમારોની સેંકડોની સંખ્યામાં ટ્રોલર બોટ દરિયામાં લાઇન ફિશિંગ કરે છે. ખાસ કરીને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના સ્થાનિક માછીમારો દરિયામાં ૧૨ નોટિકલ માઈલ સુધીમાં મચ્છીમારી કરે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી દક્ષિણ ગુજરાતની હદમાં આવીને સૌરાષ્ટના અમરેલી, જાફરાબાદ તરફના માછીમારો દરિયાના ઉંડાણમાં મોટા પાઇપની મદદથી અમુક વિસ્તારમાં ખૂંટા મારીને એક જ જગ્યાએથી ૨૪ કલાકમાં બેથી ત્રણ વાર માછલી પકડે છે. બોક્ષ ફિશિંગમાં નવસારીના માછીમારોની જાળ ફસાઈ જવાને કારણે તેમને અઢીથી ત્રણ લાખનું નુકશાન વેઠવા પડે છે, માછીમારની જાળ જ કપાઈ જવાને કારણે ફરી માચ્છીમારી કરવા જવું તેના માટે મુશ્કેલ બને છે. ખાસ કરીને માછીમારીની શરૂઆતમાં માછીમારો લોન લઈને કે દાગીના ગીરવે મુકીને કે સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લઇને જાળ બનાવતા હોય છે, જે જાળ ૫ લાખ સુધી પણ બનતી હોય છે. પરંતુ બોક્ષ ફિશિંગ કરતા સૌરાષ્ટના માછીમારોને કારણે દક્ષિણ ગુજરાતના ઉંમરગામથી ભરૂચ સુધીના માછીમારો પાયમાલ થતા, તેમના અસ્તત્વનો સવાલ ઉભો થયો છે.
દક્ષિણ ગુજરાતના દરિયામાં ૭ નોટિકલ માઈલ સુધી આવીને બોક્ષ ફિશિંગ કરતા સૌરાષ્ટ તરફના માછીમારોને કારણે દક્ષિણ ગુજરાતના ૮૦ ટકા માછીમારોને માચ્છીમારી પર ફટકો પડ્યો છે. કારણ બોક્ષ ફિશિંગ કરતા માછીમારોના દરિયામાં મારેલા ખૂંટામાં જાળ ફસતાં આર્થિક નુકશાન વેઠવા પડે છે. સ્થાનિક આગેવાનોના અંદાજ મુજબ આ વર્ષે દક્ષિણ ગુજરાતના માછીમારોને બોક્ષ ફિશિંગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જેનાં કારણે દરિયામાં કમઠાણ થાય એવી સ્થતિ છે. શરૂઆતમાં આગેવાનનોએ જાફરાબાદ સહિત સૌરાષ્ટનાં આગેવાનો સાથે બેઠક કરી, સાથે જ દરિયામાં નોટિકલ માઈલની હદ નક્કી કરીને મચ્છીમારી કરવા સમાધાનનો પ્રયાસ કર્યો, પણ તેમાં સહમતી બની નહીં. જેથી દક્ષિણના માછીમારોએ આક્રોશ સાથે સ્થાનિક જિલ્લા કલેકટર સહિત નવસારીના સાંસદ, ગુજરાત સરકારના સંબંધિત મંત્રીઓ, સચિવ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી બોક્ષ ફિશિંગને રોકવા માટેના પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા છે. જાકે હજી પણ માછીમારો સરકાર પાસે આશા સેવી બેઠા છે, જા તેમ છતાં પરિણામ ન મળે તો અંતે આંદોલન છેડવાની તૈયારી કરી રહ્યા છે
જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજા કરવામાં આવે, તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય છે. પરંતુ દરિયાના પાણી ઉપર રહીને જમીનમાં ખૂંટા મારીને પોતાનો હક્ક જમાવતા માછીમારો સામે પોતાની રોજગારી માટે મથામણ કરતા માછીમારોને સરકાર મદદરૂપ થાય એજ સમયની માંગ છે.