મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી ધાર્મિક સંસ્થાઓ સમાજના દરેક
નાગરિકના ઉત્થાન માટે જરૂરી હોય છે. પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે, દેશ-દુનિયામાં અત્યારે આગળ વધી રહેલો સમાજ છે. સરકાર તરીકે અમારી જવાબદારી નિભાવવા માટે અમારી સંપૂર્ણ ટીમ તૈયાર છીએ તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ સમાજની સામાજિક સંસ્થાઓ ખૂબ સારા કામો કરી રહી છે, કોઈપણ સરકાર એકલી વિકાસના કામ કરી શકે નહીં, સમાજનો તેમાં સાથ જરૂરી છે. સરકાર અને સમાજિક સંગઠનોના સહયોગથી રાજ્યની વિકાસની ગતિને વેગ મળે છે અને તેથી સફળતા મેળવી શકાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનકાળથી રાજ્યમાં વિકાસની કેડી કંડારેલી છે. દરેક સમાજના ઉત્કર્ષ માટે સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર હંમેશા તમામ સમાજના સમુદાયની સાથે છે અને સર્વાંગી વિકાસ માટેના સંકલ્પ સાથે કાર્યરત છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની નવી કેડી કંડારવી છે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું. દરેક સમાજ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણે અને સરકાર તરીકે દરેક યુવાનોને રોજગારી મળે એવા જ પ્રયત્નો છે. ગુજરાતમાં બધા જ સમાજ ખૂબ મોટા વિકાસના પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે તે બધા જ પ્રોજેક્ટ શરૂ થાય અને તેનો અમલ થાય તો ઘણા બધા લોકોને રોજગારી મળશે. કારીગરો, વેપારી વર્ગ વધશે અને નાણાકીય ક્રાંતિ આવશે જેનાથી રાજય અને દેશને ફાયદો થશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી અને સંસ્થાનના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ઉમિયાધામ સોલા ખાતે નવનિર્મિત થવા જઈ રહેલા મંદિર અને શૈક્ષણિક સંકુલો સાથે અન્ય સંકુલો સમાજના યુવાનો, વિધાર્થીઓ અને વાલીઓ અને અનેક લોકોને ખુબ ઉપયોગી નીવડશે. શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પ્રકારની સ્પર્ધાઓ વધી છે ત્યારે પાટીદાર સમાજના યુવા ભાઈ-બહેનો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમા આવીને વસવાટ કરીને શિક્ષણકાર્ય કરતાં હોય છે ત્યારે તેમને રહેવાની અહીં ઉત્તમ સગવડો મળી રહેશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સુદ્દઢ ભારતની કલ્પના સાકાર થઈ રહી છે ત્યારે સમાજનું એકતા અને સંગઠન વધુ મજબૂત બને તેવી હિમાયત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ઉંઝા સંસ્થાન દ્વારા અમદાવાદ સ્થિત સોલા કેમ્પસમાં માં ઉમિયાધામ મંદિર ખાતે ૭૪ હજોર ચોરસ વાર જમીન પર અંદાજીત રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે માં ઉમિયાધામનું નિર્માણ થશે.