વિશ્વના હૈયામાં ધબકતું હિન્દુસ્તાન. જેને જમીનમાં દફનાવવા માટે દુશ્મનો દ્વારા કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ  આ ધગધગતા જ્વાળામુખી ને કોણ અટકાવી શકવાનું હતું. આતો એક તપો ભૂમિ છે જ્યાં વિશ્વને નમન કરવા આવવું જ પડે. અને આ વાતની સાક્ષી આપણો ઈતિહાસ પુરે છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ભારતના કેટલાય નાગરિકો આપણા હિન્દુસ્તાનના સાચા ઇતિહાસથી અજાણ છે. તે માટે ઘણીવાર ભારત ઉપર અધર્મનું વર્ચસ્વ વધતું હોય તેવું જાણવા મળે છે.
જયારે બાળકોને ઇતિહાસ ભણાવવામાં આવે છે ત્યારે લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું નામ મોખરે જ હોય છે. પરંતુ આજે આપણા સૌના મનમાં એક સળગતો અને ચિંતાજનક પ્રશ્ન એ છે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ઘણા અજ્ઞાની અને જ્ઞાતિવાદો એક પટેલ કુળના જ સરદાર દર્શાવવા તુચ્છ પ્રયત્નો કરી રહ્યા છે અને અમુક અંશે તે સફળ પણ બન્યા છે.
પરંતુ આજે હું સરદાર વલ્લભભાઇ પટેલનું નિસ્વાર્થ જીવન ચરિત્ર આપ સૌની નજર સમક્ષ પ્રકાશિત કરવાની કોશિશ કરું છું. લોખંડી પુરુષ, ભારત ભાગ્ય વિધાતા એવા શ્રી સરદાર પટેલ…, એ કોઈ જ્ઞાતિ ના જ નહીં પરંતુ તે રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત હતા. તેમની રાષ્ટ્રભક્તિમાં અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠામાં જરા પણ કચાસ ના હતી,  તે માટે આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણા સૌના હ્નદયમાં વસતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની છે. આ સાબિત કરે છે કે,  સત્ય પરેશાન હો શકતા હૈ, પરાજિત નહીં.
   ભારતને આઝાદી અપાવ્યા પછી દરેક રાજા-મહારાજાઓને એક કરવા અને રાષ્ટ્ર હિતના વિચારો સાથે જે સહમત ના થાય તેવા રાજાઓને તેના જ દરબારમાં જઈ ખુલ્લેઆમ પડકારવા. આ કાર્ય કરવા માટે તો સિંહનું જ કાળજુ જોઈએ. વાત માત્ર અહીં અટકતી નથી પરંતુ આ દરેક રાજાઓના પરીવારને પણ મુશ્કેલી ના અનુભવાય તેની પણ ચિંતા કરી યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવી. આ બંને બાજુથી વિચારું તે માત્ર સરદાર સાહેબના હાથનું જ કાર્ય હતું. અન્ય કોઇની તાકાત ન હતી કે આવું ભગીરથ અને ભયાનક કાર્ય કરી શકે.
આપણે બે સામાન્ય ઝઘડો કરતા લોકોને ઘણી વખત એક નથી કરી શકતા. જ્યારે સરદાર સાહેબના એક અવાજે રાજા-મહારાજાઓ પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને અર્પણ કરી એક થવા માટે તૈયાર થયા. આ કોઈ યુગપુરુષ જ કરી શકે તે વાત આપણે સમજી શકીએ છીએ. જ્યાં મૌનથી કાર્ય પૂર્ણ થતું હોય ત્યાં સરદાર સાહેબે ક્યારેય પડકાર ફેક્યો જ નથી. પરંતુ રાષ્ટ્રની રક્ષા માટે અને અખંડ ભારતની રચના માટે શક્તિપ્રદર્શન કરવું પણ જરૂરી હતું. છતાં પણ સરદાર સાહેબે કોઈ એક સામાન્ય વ્યક્તિ સાથે પણ અન્યાય ના થાય તેની તકેદારી ચોકસાઈ પૂર્વક રાખી હતી.  એ માટે આપણા સૌના હૃદયમાં આજે શ્રી સરદાર સાહેબનું સ્થાન હંમેશા ઊંચું છે.
પરંતુ વાત અહીં અટકતી નથી. જ્યારે સરદાર સાહેબ વડાપ્રધાન બને તેવી સ્પષ્ટ બહુમતી હતી,તેવા સંજોગોમાં મહાત્મા ગાંધીજી કહે કે સરદાર તમારે વડાપ્રધાન નથી બનવાનું. તે જ ક્ષણે સરદાર ગાંધીજી સાથે સહમત થઈને કહે કે;  બાપુએ કીધું એટલે નથી જ બનવાનું. આ ત્યાગના ગુણ સાથે રાષ્ટ્રહીતનો બીજો ગુણ કે ગાંધીજી બીજીવાર કહે કે ; સરદાર તમારે ગૃહમંત્રી પણ નથી બનવાનું. આ સમયે સરદાર સપષ્ટ ભાષામાં બાપુને જવાબ આપી દે કે ; ગૃહમંત્રી તો હું જ બનીશ.  કારણકે.., મારા ખભ્ભા ઉપર આજે ભારતના લાખો યુવાનો અને નાગરિકોની જવાબદારી છે. આ સરદાર સાહેબ છે કે,  જે બાપુને હા કહી વડાપ્રધાનનું પદ છોડી શકે તો બાપુને સ્પષ્ટ વાત જણાવી ભારતનું દાયિત્વ સંભાળી પણ શકે. આ બંને પાસા માત્ર સરદાર સાહેબમાં જ જોવા મળે.  અને આ લોખંડી પુરુષ આપણને પ્રાપ્ત થયા માટે આજે આપણે સૌ સુખેથી જીવી શકીએ છીએ.
આવા તો અનેક કાર્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા ત્યારે આપણે પુર્ણ સ્વતંત્રતાનો આનંદ લઇ શકીએ છીએ. માટે લોખંડી પુરુષ..,યુગપુરુષ…,અખંડ ભારતના ઘડવૈયા.., સૌના હૃદયમાં વસતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન. ચાલો આપણે સૌ સાથે મળીને સરદાર સાહેબના જીવનને ખરા અર્થમાં જાણીએ અને સમજીએ તેમજ આપણા જીવનમાં તેમના સિદ્ધાંતોને અમલમાં લાવી ભારતને વિશ્વગુરુ બનાવીએ વંદે માતરમ.