સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા દિવસોથી સાડા ત્રણ વર્ષના બાળકનો વીડિયો વાયુવેગે વાઇરલ થઇ રહ્યો છે. જેમાં આ બાળક એવું કહેતો નજરે પડે છે કે, ‘મને ટ્યુશનમાં નો આવડે, ઘરે જ આવડે. વધારે કંઇ પૂછતા નહીં.’ સહિત ઘણું બધું પોતાની કાલીઘેલી ભાષામાં ટ્યુશનની સંચાલિકા સમક્ષ બોલી રહ્યો છે. બે મિનિટ જેટલા આ વીડિયોને દેશ અને વિશ્વમાં અનેક લોકોએ નિહાળ્યો હતો. બાળકની કાલીઘેલી ભાષાનો આનંદ માણ્યો હતો.
આ બાળક સુરતના કોસમાડા ગામમાં રહેતો રામ નિરવભાઇ કેવડીયા હોવાનું જાણવા મળ્યું છે. સંજોગ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા બાળકના પિતા નિરવભાઇ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું ધો. ૪માં અભ્યાસ કરતો હતો ત્યારે જ શિક્ષણ માટે અમારો પરિવાર સુરત સ્થાયી થયો હતો. મારા દાદા અને મારા પિતા વર્ષોથી ગાધકડા ગામે રહેતા હતા. સામાન્ય બાળકો કરતા રામને વહેલું બોલતા ફાવી ગયું છે. આઠ મહિનાની ઉંમરમાં જ રામ શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ શબ્દોમાં કરતો હતો. બાળકે પંખે લટકાવવાની કહેલી વાતનો ખરાબ અર્થ ન લેવાની પણ લોકોને અપીલ કરી હતી. ત્રણ દિવસથી ટ્યુશનમાં મોકલેલ હતો ત્યારે રામે પોતાની નખરાળી ભાષાથી ટ્યુશનનું વાતાવરણ પણ હળવું બનાવી દીધું હતું.
રામના દાદા વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, રામની યાદશક્તિ ખૂબ જ સારી છે. જાકે, ભવિષ્યમાં રામને જે ક્ષેત્રમાં જવું હશે તે પોતે જ નક્કી કરશે. રામના જવાબો સાંભળવાની શિક્ષક અને બાળકોને પણ ખૂબ જ મજા પડે છે.
સોશિયલ મીડિયા પર લાખો લોકોએ નિહાળેલા આ વીડિયોમાં દેખાતા બાળક રામનો પરિવાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલો આ વીડિયો અનેક લોકો નિહાળી રહ્યા છે. જે રીતે બાળક આ વીડિયોમાં વાતો કરી રહ્યો છે તેને લઇ લોકો પણ પોતાનું હાસ્ય રોકી શકતા નથી.