હરમનપ્રીતે દીપ્તિની બોલિંગ પર દક્ષિણ આફ્રિકાના બેટ્‌સમેન ડી ક્લાર્કનો કેચ પકડતાની સાથે જ સોશિયલ મીડિયા ભારતીય ટીમ માટે અભિનંદન સંદેશાઓ અને વીડિયોથી છલકાઈ ગયું. સોમવારે ફક્ત ઠ (અગાઉ ટ્વીટર ) પર જ ભારતીય મહિલા ટીમ સંબંધિત પોસ્ટમાં ૨૪ કલાકમાં ૪૫૬.૫ ટકાનો વધારો થયો છે.માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું, “આ મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ છે. આ વિજયે ૧૯૮૩ અને ૨૦૧૧ ની સિદ્ધિઓને પુનર્જીવિત કરી છે. આ સફળતા પેઢીઓને પ્રેરણા આપશે, અને માતાપિતા તેમની પુત્રીઓને વાદળી જર્સી પહેરવા માટે પ્રોત્સાહિત કરશે.”આ દિગ્ગજાની સાથે, વિવિધ ક્ષેત્રના દિગ્ગજા દેશની પુત્રીઓને અભિનંદન આપી રહ્યા છે. આ યાદીમાં ભારતના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ક્રિકેટર સૈયદ કિરમાણીનો સમાવેશ થાય છે.ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્‌સમેન વિરાટ કોહલીએ ઠ પર એક પોસ્ટમાં લખ્યું, “આવનારી પેઢીઓ માટે પ્રેરણા, તમે તમારા નિર્ભય ક્રિકેટ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. તમે બધી પ્રશંસાને પાત્ર છો અને આ ક્ષણનો સંપૂર્ણ આનંદ માણો. હરમન અને ટીમને અભિનંદન. જય હિન્દ.”ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પર લખ્યુંઃ “તમે માત્ર ઇતિહાસ જ નહીં, પરંતુ તમે એક એવો વારસો બનાવ્યો છે જે છોકરીઓની પેઢીઓને પ્રેરણા આપશે!”ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો. ટીમ ઇન્ડિયાએ મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૯૮ રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકા ૨૪૬ રનમાં ઓલઆઉટ થયું. દીપ્તિ શર્માએ પાંચ વિકેટ સાથે મેચનું પલટવાર કર્યો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એલ વોલ્વાર્ડટની ૧૦૧ રનની ઇનિંગ નિરર્થક ગઈ. મહિલા વનડે વર્લ્ડ કપના ૫૨ વર્ષના ઇતિહાસમાં આ ભારતનો પહેલો વનડે વર્લ્ડ કપ ખિતાબ છે. પ્રથમ મહિલા વનડે વર્લ્ડ કપ ૧૯૭૩ માં રમાયો હતો. દીપ્તિ ઉપરાંત, શેફાલી વર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ બેટથી ૮૭ રન બનાવ્યા અને બે વિકેટ લીધી. તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.