સોશ્યલ મીડિયામાં ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટાગ્રામ જેવી વેબસાઇટ ઉપર કોઇ રૂપાળું નામ અને રૂપાળો ચહેરો ધરાવતી કોઇ યુવતી કોઇ કિશોર, યુવક કે કોઇપણ પુરૂષની ફ્રેન્ડ બને છે. પોસ્ટ ઉપર લાઇક અને કોમેન્ટનાં વ્યવહારોથી શરૂ થતી વાત મેસેન્જરમાં ચેટીંગ સુધી પહોંચી છે અને થોડા જ સમયમાં તો ગાઢ મિત્રતા થઇ જાય છે. આર મિત્રતા પ્રેમમાં પરિણમે છે અને પછી તેમાંથી સેકસની વાતો થાય છે. આ યુવતી પુરૂષનાં પ્રેમમાં એટલી બધી પાગલ થઇ જાય છે કે તે પ્રથમ મેસેન્જરમાં અને ત્યાર પછી નંબર માંગીને અતિશય પ્રેમ અને સેકસની વાતો કરવા લાગે છે. પુરૂષને પણ તે ઉતેજીત કરે છે અને આ ઉત્તેજનાની વાતો વચ્ચે તે પુરૂષને વિડીયો કોલમાં તેનું શરીર દેખાડવાનું માંગણી કરે છે. આવેગ અને ઉત્તેજનામાં આવેલ પુરૂષ પોતાનું શરીર ખુલ્લુ કરવા અને યુવતીએ કહયા મુજબની અમુક હરકતો વિડીયો ઉપર કરવા મજબુર થઇ જાય છે… બસ આટલી જ વાત… પુરૂષને ખબર હોતી નથી કે આ વિડીયો કોલનું રેકોર્ડીંગ થઇ રહયું હોય છે. પણ ઉત્તેજનાની પળો વચ્ચે જ અચાનક ફોન કટ થઇ જાય છે અને અમુક મિનીટોમાં જ પુરૂષની હરકતોનો વિડીયો તેને મળે છે અને તે છોકરી પુરૂષને કહે છે કે આ વિડીયો હવે વાયરલ થશે. જો વાયરલ ન કરવો હોય તો તે ડિલીટ કરવા માટે અમુક લાખ રૂપિયા આપવા પડશે અને અહીંથી શરૂ થાય છે તે છોકરીની અને તેની ગેંગની પૈસા પડાવવા માટેની ખતરનાક હરકતોની સ્ટોરી. પોરબંદરનાં એક યુવક સાથે આ રીતે પૈસાની માંગણી કરવામાં આવતાં તેણે આ યુવતીનું રીતસરનું સ્ટીંગ ઓપરેશન કરી લીધું હતું અને પૈસા પડાવવાનો કારસો રચનાર યુવતી અને તેની ગેંગ સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ પણ જાહેર કરી દીધી છે.

પોરબંદરનાં યુવકે કહયું કે અર્પિતા બિશ્વાસ નામ ધારણ કરેલી એક યુવતીએ પ્રથમ ફેસબુક, મેસેન્જર અને બાદમાં વોટસએપ થકી પોતાની સાથે સંપર્ક પ્રસ્થાપીત કરી શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં પ્રેમમાં પડી, સેકસની વાતો કરી, અંતે વિડીયો કોલમાં પોતાને નગ્ન કરવાની સતત કોશિષ કરી હતી. તા.રર-પ-ની રાતનાં ૧૧-૩૦ થી લઇને ગઇકાલ તા.રપ-પ-ર૦રરનાં બપોરનાં ૩ વાગ્યા સુધી આ યુવતીએ વિડીયો પર વિવિધ લલચામણી અને ઉત્તેજક વાતો કરી પોતે નગ્ન થઇ મને નગ્ન કરવાની કોશિષ કરી હતી. આથી મે આ ગેંગની પૈસા પડાવવાની હરકતો અંગે શંકા જતાં તેનું સ્ટીંગ ઓપરેશન કરી લીધું હતું. અને બાદમાં યુવતીએ વિડીયો મોકલી તે વિડીયો વાયરલ કરી દેવાની ધમકી સાથે જો વાયરલ ન કરવો હોય તો રૂા.૧ લાખની માંગણી કરી હતી. પોતે સ્ટીંગ ઓપરેશન કરી રહયો આ વાતને થોડીક લાંબી ખેંચવા માંગતો હતો. તેથી પોતે આટલા બધા રૂપિયા આપી શકે તેમ નથી તેમ કહી ઓછા કરવાનું જણાવતાં યુવતી પ૦ હજાર રૂપિયા પર આવી હતી અને પોતે વાજબી કરવાનું જણાવતાં છેલ્લે રપ હજાર, ૧૧ હજાર, ૬ હજાર અને છેલ્લે ૩ હજાર રૂપિયા સુધી નીચે આવી હતી. આખરે પોતે ૩ હજારની આપવાનું કહયું હતું. પરંતુ માત્ર એક જ રૂપિયો યુવતીએ આપેલા નંબર ઉપર ચુકવીને બાકીનાં તમામ પુરાવા સ્ક્રીન શોર્ટ વગેરે સાથે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસમાં રાત્રે બે વાગ્યે પહોંચીને પોતાને મળેલ પ્રલોભલ અને ત્યારબાદ ગાળો, ધમકી, વગેરેનાં સ્ક્રીન શોર્ટ, રેકોડીંગ વગેરે સાથે ફરિયાદ જાહેર કરી હતી. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસનાં પીએસઆઇ સુમનબા જાડેજાએ કહયું કે પોલીસને આ અંગે એક અરજી મળી છે અને તેને ગુનો દાખલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે આ યુવક આ રીતે પૈસા પડાવનારી ગેંગનો પર્દાફાશ કરવાના હેતુથી આ ઘટના બધેજ જાહેર કરી દીધી છે અને સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પણ આબરૂ જવાની બીકે કે અન્ય કારણોસર લોકો ફરિયાદ નોંધાવતા નથી.
શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? બને તો સાવધાન….