અમરેલી જિલ્લામાં તસ્કરોએ જાણે ધામા નાખ્યા હોય તેમ ચોરીની વારંવાર ઘટનાઓ બનતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. વડીયા પંથકમાં મંદિરમાં ચોરીની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં અમરેલીના જસવંતગઢ ગામે વાડીમાં સોલાર પ્લાન્ટના કેબલ કાપી નાખી રૂ.૩પ લાખના નુકસાનની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચિરાગ લાલજીભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૩૦ની રાત્રીના રોજ સોલાર પ્લાન્ટમાં પાછળથી જેન્તીભાઈ દેસાઈની વાડીના શેઢા પાસેથી ફેન્સીંગ કાપી અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. સોલાર પ્લાન્ટમાં ૬ ઈન્વેટર જે સોલાર પ્લેટમાંથી ઈન્વેટરમાંથી મેઈન લાઈનમાં પાવર સપ્લાય થાય છે તે તમામ કેબલ ધારદાર હથીયાર વડે કાપી નાના-નાના ટુકડા કરી ઈન્વેટરના વાયરો કાપી ખેંચેલા હોવાથી અંદાજે રૂ.૩પ લાખનું નુકસાન ગયુ છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અમરેલી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.