સુપ્રીમ કોર્ટ સોમવારે પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં રાષ્ટ્રિય સુરક્ષા કાયદા હેઠળ વાંગચુકની ધરપકડને પડકારવામાં આવી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ૬ ઓક્ટોબરના કાર્યસૂચિ મુજબ, અરજી ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજનિયાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.લદ્દાખમાં રાજ્યનો દરજ્જા અને છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખનો સમાવેશ કરવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શનના બે દિવસ બાદ, ૨૬ સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને લગભગ ૯૦ લોકો ઘાયલ થયા હતા.તેમની પત્ની દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે વાંગચુકની ધરપકડ ગેરકાયદેસર, મનસ્વી અને ગેરબંધારણીય છે, જે બંધારણની કલમ ૧૪, ૧૯, ૨૧ અને ૨૨નું ઉલ્લંઘન કરે છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે એનએસએ, જે એક વર્ષ સુધી ટ્રાયલ વિના અટકાયતની મંજૂરી આપે છે, તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.અરજીમાં કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર, લેહના ડેપ્યુટી કમિશનર અને જાધપુર જેલ સુપરિન્ટેન્ડેન્ટને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમાં માંગ કરવામાં આવી છે કે વાંગચુકને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે, તેમના પરિવાર અને વકીલને મળવા દેવામાં આવે અને તેમને દવાઓ, કપડાં અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવે.ગીતાંજલિ આંગ્મોએ આરોપ લગાવ્યો છે કે તેમને લેહમાં નજરકેદ કરવામાં આવ્યા છે, અને વાંગચુક દ્વારા સ્થાપિત હિમાલયન ઇન્સીટટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખના વિદ્યાર્થીઓ અને સ્ટાફને હેરાન અને ડરાવવામાં આવી રહ્યા છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાંગચુક ઉપવાસ પછી નબળા હોવા છતાં તેમને દવા અને આવશ્યક ચીજવસ્તુઓ વિના જાધપુર મોકલવામાં આવ્યા હતા, અને તેમની ધરપકડના કારણો અંગે હજુ સુધી તેમને અથવા તેમના પરિવારને કોઈ માહિતી આપવામાં આવી નથી.અરજીમાં ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે વાંગચુકની ધરપકડથી લદ્દાખમાં માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે, અને તાજેતરમાં જ એક બૌદ્ધ સંઘના સભ્યએ આ કારણોસર આત્મહત્યા કરી છે.









































