બગસરા ડેપો દ્વારા તો બસ ચાલુ ન થઈ પરંતુ ભુજ ડેપોએ ચાલુ કરી
ભુજ ડિવિઝન દ્વારા તા.૧૦ને સોમવારથી ભુજ-ધારી વાયા બગસરા એસી સીટર બસ શરૂ કરવાનો નિણર્ય કર્યો છે. જેથી મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. બગસરાથી ભુજ બસ શરૂ કરવા માટે સામાજિક સંસ્થાઓ અને પેસેન્જર એસો. દ્વારા ધારાસભ્ય સહિત એસ.ટી.ના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સ્ટાફની ઘટનું કારણ દર્શાવી બગસરાને ભુજ સુધીની બસ મળે તેવા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નહોતા. મુસાફરોની માંગને ધ્યાને રાખી ભુજ ડિવિઝન દ્વારા ભુજ-ધારી વાયા બગસરા બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બસ સોમવારે ભુજથી રાત્રિના ૯ કલાકે ઉપડશે જે મોરબી, રાજકોટ, ગોંડલ, કુંકાવાવ, બગસરા થઈને સવારે ૬ઃ૪૦એ ધારી પહોંચશે અને ધારીથી સાંજના ૭ કલાકે ઉપડશે જે બગસરા રાત્રિના ૮ કલાકે આવશે અને આજ રૂટ પર થઈ સવારે પઃ૪પ વાગ્યે ભુજ પહોંચશે. એસી ટુ સીટરનું ભાડુ ભુજથી ધારીનું સંભવત રૂ.૭૩૪ રહેશે. આ બસ શરૂ થતા મુસાફરોને કચ્છમાં આવેલા માતાના મઢ, કોટેશ્વર, નારાયણ સરોવરના દર્શનનો લાભ પણ મળશે. ભુજ જવા માટે નવી બસ શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
એસીના બદલે સ્લીપર બસ શરૂ કરવા મુસાફરોની માંગ
ભુજ ડિવિઝન દ્વારા ભુજ-ધારી બસ એસી સીટર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ધારી સુધીના સંભવત ટિકીટ દર રૂ.૭૩૪ રાખવામાં આવ્યો છે. આ બસમાં મુસાફરી ભાડુ વધારે હોવાથી મુસાફરોને રાહત થાય તે માટે ભુજ ડિવિઝન દ્વારા સ્લીપર બસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.






































