સોમનાથ અને ભાવનગર વચ્ચે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. આ ફોરટ્રેક રોડનું કામ છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યુ છે અને જેના કારણે ઠેર ઠેર ડાઇવર્ઝન બનાવવામાં આવ્યા છે, જેના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. સોમનાથ ઉના હાઈવેની હાલત એટલી કફોડી થઈ ચુકી છે કે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, તે સિવાય કાચા રસ્તાઓના કારણે ઉડતી ધુળની ડમરીઓથી આસપાસના ખેતરોના ખેડૂતો ત્રાસી ગયા છે અને અનેક જગ્યાએ નાળા અને પુલીયા બનાવવામાં નહિં આવે તો વરસાદી પાણીથી ખેડૂતોની જમીન ડૂબી જવા અને ધોવાણ થવાની ભીતિ પણ છે.