સોમનાથ નજીકના રહેણાંક વિસ્તારોમાં દીપડાની વારંવારની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ છે. સોમનાથ-પ્રભાસ પાટણ બાયપાસથી ત્રિવેણી જતા રસ્તા પર વિણેશ્વર સોસાયટી આસપાસ અવારનવાર દીપડા જોવા મળે છે. વન વિભાગે અનેકવાર પાંજરું ગોઠવી દીપડાને પકડ્યા હોવા છતાં, તેમની હાજરી ઓછી થઈ નથી. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટના અધૂરા પુસ્તક ભવન અને નવા સાંસ્કૃતિક હોલ પાસે પણ દીપડો દેખાયો હતો. વિણેશ્વર સોસાયટીમાં લગભગ ૧૫૦ પરિવારો રહે છે અને નજીકમાં સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ તેમજ એસટી ડેપો આવેલો છે, જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે. લોકોમાં ભય છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? વન વિભાગનું કહેવું છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ વિસ્તારના બાવળના વૃક્ષો કાપવા જરૂરી છે, જેની માલિકી સોમનાથ ટ્રસ્ટની છે, પરંતુ ટ્રસ્ટ આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. સ્થાનિક લોકો તંત્રની ઉદાસીનતાથી પરેશાન છે.