સોમનાથમાં દશનામ ગોસ્વામી સમાજ પરિવારનું ૨૦૦ વર્ષ જૂનું સમાધિ સ્થાન મધરાત્રે તોડી પાડતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર સોમવારે દશનામ ગૌસ્વામી પરિવારના અને રૂદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ગૌસ્વામી ભાવેશગીરી ભોવાનગીરીએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી, ટ્રસ્ટના જનરલ મેનેજર, ટ્રસ્ટીઓ, મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, સાંસદ અને ધારાસભ્યને પાઠવેલ છે. તેમાં જણાવેલ છે કે, સોમનાથમાં રૂદ્રેશ્વર મંદિર સંકુલ કે જે સોમનાથ ટ્રસ્ટે અમારી અરજી કે માંગણી પૂરી કર્યા વગર સંપાદિત કરેલ છે તે સંકુલમાં આવેલ અમારા પરિવારના સૌથી વધુ પૂર્વજોની સમાધિઓ આવેલ હતી. જે અમારી જાણ બહાર તોડી નાખવામાં આવેલ છે. જેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. અમારા પિતૃઓ સાથેના ભાવનાત્મક સંબંધોનું હનન થયેલ છે. જે સમાધિઓ તોડી પડાયેલ છે તે અગાઉ ટ્રસ્ટને તેના પૂજન અને રૂદ્રેશ્વર મંદિરમાં દર્શન-પૂજન મંજૂરી આપવા માંગણી કરવામાં આવી હતી આમ છતાં આવું કૃત્ય કરવામાં આવેલ છે.








































